વડોદરા નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર
સાપની જેમ બાઇક ચલવીને ઘર તરફ આવી રહેલો યુવાન
સામેથી આવતી કાર સાથે ભટકાતા હવામાં ફૂટબોલની જેમ
ઊછળ્યો હતો અને સ્થળ પર મોતને ભેટ્યો હતો. આ યુવાન
કાયાવરોહણ લકુલેશ મહાદેવનાં દર્શન કરીને પરત ફરી
રહ્યો હતો, તે સમયે ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો
હચમચાવી નાંખે તેવો મોતનો લાઈવ વીડિયો બાઇકચાલક
પાછળ જઇ રહેલા કારચાલકે પોતાના મોબાઇલ ફોનમાં કેદ
કર્યો હતો. આ બનાવ અંગે વરણામા પોલીસે મોતને ભેટેલા
બાઇકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી
હાથ ધરી છે.
વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચંચળબા નગરમાં અનિલ અરવિંદભાઇ ગાંધી (ઉં.વ.36) આજે વહેલી સવારે પોતાની બાઈક લઈને કાયાવરોહણ લકુલેશ મહાદેવનાં દર્શન કરવા માટે ગયો હતો. જે બાદ અનિલ ગાંધી દર્શન કરીને બાઈક પૂરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો. પોતાની આગળ ચાલતાં વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યો હતો. પોર- કાયાવરોહણ સિંગલ રોડ પર અનિલ સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. તેને પોતાની આગળ જતી એક બલેનો કારનો પણ ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો.
સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો બલેનો કારના ચાલકે વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. કારચાલકે લગભગ એક કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વીડિયો ઉતાર્યો હતો. બલેનો કારના ચાલકે બાઇકચાલક અનિલ ગાંધી રોંગ સાઇડ ઉપર પોતાની બાઇક લઇને કાયાવરોહણ તરફ જતી અલ્ટો કાર સાથે ફાજલપુર ગામના પાટીયા પાસે પ્રચંડ ધડાકા સાથે ભટકાઇને હવામાં 10 ફૂટ ઊંચો ઊછળીને નીચે પટકાયો હતો. રોડ ઉપર પટકાતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. આ અકસ્માતનો વાઈવ વીડિયો કારચાલકે પોતાના મોબાઇલ ફોનમાં ઉતાર્યો હતો.
વડોદરાનો અનિલ ગાંધી અકસ્માતમાં મોતને ભેટતા જ અલ્ટોમાં સવાર પરિવારજનો તેમજ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર ઊભા રહી ગયા હતા. તે સાથે જ રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ સ્થળ પર ઊભા રહી ગયા હતા. આ ઘટનામાં અનિલ ગાંધીની બાઇકના પણ ફુરચે ફુરચા થઇ ગયા હતા. રોડ અનિલના લોહીથી રંગાઇ ગયો હતો.
આ ગોઝારી ઘટનાની જાણ પોર પોલીસ ચોકીને કરવામાં આવતા એ.એસ.આઇ. સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે બાદ આ બનાવની જાણ મૃતકના પાદરાના ભાવસારવાડમાં રહેતા બનેવી પ્રતીકભાઇ જગદીશભાઇ કાછિયાને કરવામાં આવતા તેઓ અન્ય પરિવારજનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે તેઓની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં બેદરકારીપૂર્વક બાઇક ચલાવી મોતને ભેટનાર અનિલ ગાંધી સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં કાયાવરોહણ-પોર રોડ ઉપર આવેલ ફાજલપુર ગામના પાટિયા પાસે બનેલા અકસ્માતના આ બનાવમાં મોતને ભેટેલા અનિલ ગાંધી જેન્ટ્સ ટેલર્સનો વ્યવસાય કરતો હતો. તેઓને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. અનિલના અકસ્માતમાં નીપેજેલા મોતે ચંચળબા નગરમાં ગમગીની ફેલાવી દીધી હતી.