એશિયાટિક લાયન માટે પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્ક, ધારીને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત કરાશે
વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો
દિપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરાશે
“ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના મંત્ર સાથે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ
આવનારા દિવસોમાં ગીરનાર ઉપર યાત્રાળુ માટે રોપ-વેની સુવિધા શરૂ કરાશે
જામનગર ખાતે વૈશ્વિક કક્ષાના ખાનગી સફારી પાર્કને મંજૂરી આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંબરડી સફારી પાર્ક ખાતે રૂ. ૨૫ કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તૈયાર થનાર વિવિધ સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સાસણગીરની જેમ એશિયાટિક લાયન માટે અમરેલી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્ક, ધારીને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત કરવામાં આવશે. આ એશિયાટિક લાયન માત્ર સાસણગીરમાં જ નહી પણ હવે આંબરડી ખાતે પણ જોવા મળશે. જેના પરિણામે આ વિસ્તારમાં દેશ-વિદેશના પ્રવાસીઓના આગમનથી આજુબાજુના લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે. આંબરડી ખાતેના આ વિકાસ કામો આવનાર બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી એશિયાટિક લાયન- આંબરડી સફારી પાર્ક, ધારી ખાતે પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસ કામોનું આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-ખાતમૂર્હુત કરાયું. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ વિવિધ વિકાસ કામોની તક્તિનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનેકવિધ આકર્ષણના કેન્દ્રો ઉપલબ્ધ છે. જેમાં કિર્તી મંદિર-પોરબંદર, રાજકોટમાં ગાંધીજીનું મ્યુઝિયમ, સાબરમતી આશ્રમ અને દાંડી સ્મારકને જોડતી ગાંધી સર્કિટ આ ઉપરાંત બૌદ્ધ સર્કિટ, કચ્છની આંતરિક સર્કિટ જેમાં કચ્છનું સફેદ રણ, સ્મૃતિ વન, વીર બાલ ભૂમિ સ્મારક અંજાર, માતાનો મઢ, નારાયણ સરોવર, ધોળાવીરા વિકસાવી રહ્યા છીએ. સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, પાવાગઢ જેવા યાત્રાધામો, નડાબેટ ખાતે સીમા દર્શન જ્યારે આપણે મીઠાપુર અને દ્વારકા વચ્ચે શિવરાજપુર બીચને વૈશ્વિક કક્ષાની સુવિધા સાથે વિકસાવી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે, સાસણની જેમ આવનાર દિવસોમાં આંબરડી સફારી પાર્ક પ્રચલિત થાય તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જેનું ખાતમૂર્હુત અમે કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ આ અભિમાન નહી પણ સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં માત્ર ખાતમુર્હૂત જ થતાં હતા જ્યારે અમે વિકાસના કામો પૂર્ણ કરીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સિંહોને વિશેષ સંવર્ધન-સંરક્ષણ પુરૂ પાડવાના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને આ વિસ્તારમાં દિપડાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે આ દિપડાઓને પણ સંરક્ષિત કરવા ધારી તાલુકામાં આંબરડી પાસે આ વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં ગીરનાર ઉપર યાત્રાળુ માટે રોપ-વેની સુવિધા શરૂ કરાશે તેની સાથે જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લાનું આધુનિકરણ એટલે જૂનાગઢ, આંબરડી, અમરેલી, સોમનાથ, દ્વારકા જેવા પ્રવાસન સ્થળો આપણા માટે એક મોટી વિરાસત પ્રસ્થાપિત થશે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે તેમ કચ્છ નહી દેખા તો કુછ નહી દેખાની જેમ હવે “ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના મંત્ર સાથે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર જામનગર ખાતે રિલાયન્સ દ્વારા વૈશ્વિક કક્ષાના ખાનગી સફારી પાર્ક તૈયાર કરવા જઈ રહ્યું છે જેને ગુજરાત સરકારે મંજૂરી આપી છે. ગુજરાત ભારતનું એવુ પ્રથમ રાજ્ય હશે જ્યાં ખાનગી સફારી પાર્કની મંજૂરી આપવામાં આવી હોય. આ નવા વિચાર સાથે લોકોને જોડીને લોકોની સહભાગીદારી વધે તે રાજ્ય સરકારનો હેતુ છે. લેસ ગવર્મેન્ટ, મોર ગવર્નન્સને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી રહ્યા છીએ. આ સફારી પાર્કમાં નવી સુવિધાઓના નિર્માણથી આ વિસ્તારમાં હોટલ, ટ્રાવેલ્સ સહિત લોકોને નાની-મોટી રોજગારી ઉપલબ્ધ થશે અને આ વિસ્તાર વધુ જીવંત બનશે તેવી શુભેચ્છાઓ આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી.
પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોની લાગણી અમે માગણી મુજબ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આંબરડી પાર્ક ખાતે પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં પ્રવાસન ક્ષેત્ર નોંધપાત્ર રોજગારી ઉપલબ્ધ કરાવે છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખુશ્બુ ગુજરાત કી અને કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે જેવા અભિયાનથી ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક નકશામાં અંકિત થયું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સીમા દર્શન નડાબેટ, વૈશ્વિક કક્ષાનો ડાયનાસોર પાર્ક રૈયાલી સહિતના પ્રવાસનના વિવિધ પ્રકલ્પો શરૂ કરીને ગુજરાતને પ્રવાસનમાં વૈશ્વિક ક્ષેત્રે સ્થાન અપાયું છે. પ્રવાસન રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સાસણગીરની સાથે સાથે હવે એશિયાટિક લાયન ૪૩ ચોરસ કિ.મી.માં વિસ્તરેલા આ આંબરડી સફારી પાર્કમાં પણ વિહરતા જોવા મળશે. કુલ રૂ. ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર નવી સુવિધાઓથી પ્રવાસીઓમાં આકર્ષણ વધશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનો સફેદ રણ જેવા પ્રવાસન સ્થળો રોજગારી આપવાનું ખૂબ મોટું માધ્યમ બન્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પ્રવાસન વિભાગ અને વન વિભાગ દ્વારા એશિયાઇ સિંહો માટે વિકસાવવામાં આવેલ આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કુલ ૪૩ ચોરસ કિ.મી.માં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રથમ ફેઝમાં પાર્કિંગ એરિયા, પ્રવેશ દ્વાર, ટિકિટ બુકિંગ સેન્ટર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, શોવેનિયર શોપ, દિપડા માટે એન્ક્લોઝર, ફૂડ કોટ, એમ્ફીથિયેટર, ટોયલેટ બ્લોક અને પીવાના પાણીની વિવિધ સુવિધાઓ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવાસન વિભાગના એમ.ડી. શ્રી જેનુ દેવને સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના સ્થળે આંબરડી ખાતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી, અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી, વિવિધ પદાધિકારીઓ તેમજ પ્રવાસન અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.