આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા
ભાજપ સરકારે દરેક જિલ્લાના લોકોના સૂચનોને ધ્યાનમાં લઈને બજેટ બનાવવું જોઈએ, પરંતુ આજ સુધી આ રીતનું કામ ભાજપ સરકારે કર્યું નથી : આશા છે કે વિપક્ષના ધારાસભ્યોને ખરીદવા પ્રજાના ટેક્સના પૈસા નહીં વપરાય: ઉમેશ મકવાણા
અમદાવાદ
આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે, આવનારા બજેટ સત્રને ધ્યાનમાં રાખીને બોટાદ અને ભાવનગર સહિત અલગ અલગ જિલ્લાના લોકો દ્વારા અધૂરા કામો સહિત અન્ય કામો મુદ્દે સલાહ સૂચનો આપવામાં આવ્યા છે, જેના મુદ્દે અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને તમામ સુચનો મોકલ્યા છે. હકીકતમાં ભાજપ સરકારે દરેક જિલ્લાના લોકોના સૂચનોને ધ્યાનમાં લઈને બજેટ બનાવવું જોઈએ પરંતુ આજ સુધી આ રીતનું કામ ભાજપ સરકારે કર્યું નથી.સમગ્ર ગુજરાતના મોટાભાગે લોકો દ્વારા સુચનો કરવામાં આવ્યા છે કે ગુજરાતના લોકોને 300 યુનિટ મફત વિજળી આપવામાં આવે. ત્યારબાદ શિક્ષિત બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવામાં આવે. અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ ગુજરાતની મહિલાઓને પણ મહિને 5000 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે. 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. જે જિલ્લામાં સરકારી યુનિવર્સિટી નથી ત્યાં નવી બિલ્ડિંગમાં સરકારી યુનિવર્સિટી શરૂ કરવામાં આવે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. ખેડૂતોને દિવસના સમયે 12 કલાક ખેતી માટે વીજળી આપવામાં આવે.આ સિવાય કુલ 57 માંગણીઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવામાં આવ્યો છે. અમને આશા છે કે ગુજરાતની સરકાર ગુજરાતની જનતાના સૂચનોનો સ્વીકાર કરશે અને ગુજરાતની જનતાના ટેક્સના અને ગુજરાતની જનતાના પરસેવાના પૈસાનો ઉપયોગ આ તમામ યોજનાઓમાં કરવામાં આવશે. અમને આશા છે કે સરકાર પ્રજાના ટેક્સના પૈસા પ્રજા માટે ઉપયોગ કરશે અને વિપક્ષના ધારાસભ્યોને ખરીદવામાં આ પૈસાનો ઉપયોગ નહીં થાય.