અમદાવાદ
કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ (વ્હીપ)નો અનાદર કરી પક્ષ વિરૂધ્ધ મતદાન કરેલા જસદણ તાલુકા પંચાયતના બે સભ્યોને તાલુકા પંચાયતના સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવેલ કાર્યવાહીમાં બન્ને સભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. જસદણ તાલુકા પંચાયતમાં તા. ૧૪-૦૯-૨૦૨૩ ના રોજ યોજાયેલી જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના આદેશની વિરૂધ્ધમાં મતદાન કરવા બદલ કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષના નીશાન પર ચૂંટણી લડેલા (૧) સોનલબેન જયંતિભાઈ મેટાળિયા અને (૨) પ્રદિપભાઈ જયંતીભાઈ કાકડિયા સામે પક્ષના આદેશ-મેન્ડેટ (વ્હીપ) વિરૂધ્ધ મતદાન કરવા બદલ જસદણ તાલુકા પંચાયતના સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે પીટીશન નં. ૦૭/૨૦૨૩ની અરજી કરવામાં આવેલ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના અરજદાર તરીકે જસદણ તાલુકા પંચાયતના સભ્યશ્રી હિતેષ વ્હોરા અને શ્રી નરેશભાઈ બેરાણી હતા. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા કોંગ્રેસ પક્ષના લીગલ સેલના કન્વીનર અને હાઈકોર્ટના એડવોકેટશ્રી નિકુંજ બલર દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારીશ્રીએ કોંગ્રેસ પક્ષના નીશાન પર ચૂંટણી લડેલા (૧) સોનલબેન જયંતિભાઈ મેટાળિયા અને (૨) પ્રદિપભાઈ જયંતીભાઈ કાકડિયાને તા. ૨૨/૦૧/૨૦૨૪ના રોજ જસદણ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો હતો. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને નુકસાન કરનાર અને કોંગ્રેસ પક્ષના આદેશને ન માની પક્ષ વિરૂધ્ધ કામ કરતા સભ્યશ્રીઓ સામે આજ મુજબ કડક-કાયદેસર કાર્યવાહી કરી પક્ષમાં શિસ્ત અને પક્ષ પ્રત્યેની કટિબધ્ધતા માટે દાખલો બેસાડવામાં આવશે.