જ્યારે મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાન માટે હત્યાઓ કરાવી હતી, ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે, તેમના સપનાના દેશનું ભાવિ પરિણામ એવું જ હશે. આજે પાકિસ્તાન ગરીબીના ઉંબરે ઉભું છે. એક તરફ રાજનેતાઓ, સરકારી અધિકારીઓ અને સેનાના અધિકારીઓ પાસે એટલા પૈસા છે કે તેઓ વિદેશમાં મકાનો ખરીદી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાનના સામાન્ય લોકો છે, જેમને બે ટંક ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડે છે.
પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં રહેલા ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. શુક્રવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો લોટના ભાવને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તમે તસવીરમાં જોઈ શકો છો કે ,લોકોની ભીડ કેટલી છે. આ કોઈ પોલિટિકલ પક્ષના લોકો નથી કે જે રેલી કરી રહ્યા છે, પરંતુ લોટના વધતા ભાવથી પરેશાન સામાન્ય લોકોની ભીડ હતી.
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં શુક્રવારે સંપૂર્ણ બંધ અને હડતાલ સમગ્ર પ્રદેશમાં જોવા મળી હોવાથી જનજીવન થંભી ગયું હતું. સબસિડીવાળા ઘઉંના ભાવમાં વધારો અને અન્ય વસ્તુઓની મોંઘવારીથી લોકો પરેશાન છે. આ કારણે ગિલગિટ-બાલ્ટિસ્તાનના તમામ જિલ્લાઓમાં મોટા વિરોધ પ્રદર્શન અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્તાઓ પર લોકોની ભીડ એટલી બધી હતી કે, સમગ્ર ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગિલગિટ, સ્કર્દુ, દિયામેર, ઘીઝર, અસ્ટોર, શિઘર, ઘાંચે, ખરમંગ, હુન્ઝા અને શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો, બજારો, રેસ્ટોરાં અને વેપાર કેન્દ્રો બંધ રહ્યા હતા. વાહનો ન મળવાના કારણે ખાનગી અને સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ કામ પર જઈ શક્યા ન હતા. વિસ્તારની તમામ શાળાઓમાં અઘોષિત રજા જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અને મુસાફરી કરવામાં મુશ્કેલી પડી હતી.
આ હડતાલ અવામી એક્શન કમિટી (AAC) દ્વારા પાડવામાં આવી હતી. વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને હોટલ માલિકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનોએ તેને ટેકો આપ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોએ ઘઉં અને લોટની વધતી કિંમતો સામે પ્રદર્શન કર્યું હોય. છેલ્લા ઘણા મહિનાઓથી ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના ઘઉંના ભાવમાં વધારો કરવાના નિર્ણય સામે છૂટાછવાયા વિરોધ ચાલી રહ્યા હતા, પરંતુ કોઈ અસર ન જોતા આટલા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અવામી એક્શન કમિટીએ જાહેરાત કરી હતી કે, ગિલગિટ અને સ્કર્દુ તરફ પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી રેલી શનિવારથી શરૂ થશે.
શુક્રવારની નમાજ પછી દિયામાર જિલ્લાના મુખ્ય મથક ચિલાસમાં સિદ્દીક અકબર ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. વક્તાઓએ ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના સબસિડીવાળા ઘઉંના દરમાં વધારો કરવાના નિર્ણયની નિંદા કરી હતી અને તેને મુખ્યમંત્રીની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો કારાકોરમ હાઇવે બ્લોક કરવામાં આવશે. શુક્રવારની નમાજ પછી તાંગિર, અસ્ટોર, ખરમાંગ, સ્કર્દુ, શિગર, ઘાંચે, હુન્ઝા, નગર અને ખૈસરમાં પણ વિરોધ રેલીઓ અને દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય દેખાવો ગિલગિટના ગરીબબાગ અને સ્કાર્દુમાં યાદગાર-એ-શુહાદા ખાતે યોજાયા હતા, જ્યાં હજારો લોકોએ કલાકો સુધી ધરણા કર્યા હતા.