રાવલપિંડીની વિશેષ અદાલતે બુધવારે તોશખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને કડક સજાની જાહેરાત કરી છે. તોશખાના કેસમાં કોર્ટે ઇમરાન ખાન અને તેની પત્નીને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વિશેષ અદાલતે દંપત્તિ પર 1.573 અબજ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને ભૂતપૂર્વ વડાપ્રધાનને 10 વર્ષ માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલનાં અહેવાલમાં આ વાતની પુષ્ટી કરવામાં આવી છે.આ સાથે જ કોર્ટે બંનેને 10 વર્ષ સુધી કોઈપણ જાહેર પદ પર રહેવા પર રોક લગાવી છે. કોર્ટે તેમના પર 78.7 કરોડ રૂપિયાનો સામૂહિક દંડ પણ લગાવ્યો છે. બુશરા બીબી આજે કોર્ટમાં હાજર રહી ન હતી. એક દિવસ પહેલા જ ઈમરાન ખાનને દેશના ગોપનીય દસ્તાવેજો અન્ય લોકોને આપવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી બીજી કોર્ટની આ સજા તેના માટે બેવડો ફટકો છે.
25 નવેમ્બર, 2023ના રોજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્નીના પૂર્વ પતિ ખાવર ફરીદ મનેકાએ ઇમરાન ખાન અને બુશરા પર વ્યભિચાર અને કપટપૂર્ણ લગ્નનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ 71 વર્ષીય ખાન અને 49 વર્ષીય બુશરા બીબી સામેનો કેસ ઈસ્લામાબાદ પૂર્વના વરિષ્ઠ સિવિલ જજ કુદરતુલ્લાની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જ્યાં સજા સંભળાવવામાં આવી હતી.
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને ગુપ્ત માહિતી લીક કરવા બદલ 10-10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. બંનેને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ રચવામાં આવેલી વિશેષ અદાલત દ્વારા ગોપનીય માહિતી લીક કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ઈમરાન ખાન (71 વર્ષ) અને શાહ મહેમૂદ કુરેશી (67 વર્ષ) રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે. ઇમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશી વર્ચ્યુઅલ રીતે જેલમાંથી જ કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યા હતા.