વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુવાહાટીમાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મા કામાખ્યા મંદિર કોરિડોર સહિત આસામમાં રૂ।1 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. મહાકાલ અને કાશી વિશ્ર્વનાથ કોરિડોરની જેમ તેને 498 કરોડ રૂપિયા ખર્ચીને વિકસાવવામાં આવશે.
લોકોને સંબોધતા વડાપ્રધાને કહ્યું- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ લલ્લાના અભિષેકના ભવ્ય સમારોહ બાદ હવે હું અહીં માતા કામાખ્યાના દ્વારે આવ્યો છું.
આજે મને અહીં મા કામાખ્યા દિવ્ય લોક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો. તેમણે કહ્યું- કેટલાક લોકોએ પોતાની સંસ્કૃતિ પર શરમાવાનો ટ્રેન્ડ બનાવ્યો હતો. કોઈ પણ વ્યક્તિ પોતાના મૂળને કાપીને અને ભૂતકાળને ભૂલીને સફળ થઈ શકતી નથી. આપણાં તીર્થધામો, આપણાં મંદિરો, આપણી આસ્થાનાં સ્થળો, આ માત્ર ફરવાનાં સ્થળો નથી. આપણી સંસ્કૃતિની હજારો વર્ષની સફરના આ અદમ્ય ચિહ્નો છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ રૂ।58 કરોડના ગુવાહાટી ન્યૂ એરપોર્ટ ટર્મિનલથી છ લેન રોડ પ્રોજેક્ટ, રૂ।31 કરોડના આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટેડિયમ અને રૂ।00 કરોડના નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.