ગાંધીનગર GUDA તથા અન્ય સરકારી એજન્સીઓની આવાસ યોજનામાં અપાતા મકાન બજાર કિંમત કરતાં ઓછા ભાવે મળતાં હોવાથી સામાન્ય નાગરિકોને વધારે પસંદ આવે છે. GUDAમાં મકાન મેળવવા માટે હજારો લોકો ફોર્મ ભરતા હોય છે અને તેમાંથી ખૂબ ઓછા અરજદારોનો નંબર લાગે છે. આ સ્થિતિનો ફાયદો ઊઠાવીને સામાન્ય નાગરિકો સાથે ઠગાઈનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીનગરનાં GUDA તંત્રની ગાઢ નિદ્રામાં GUDAના કેન્સલ થયેલા મકાન અપાવી દેવાના નામે છ અરજદારો સાથે રૂ.7.70 લાખ રૂપિયાની છેતરપિંડીના મામલે સે-21 પોલીસ મથકમાં ફરિયાદન નોંધાઈ છે.
ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા પાસરભાઈ આશુભાઈ
મારવાડીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બે એક વર્ષ પહેલા સમાજના સોમાજી પ્રતાપજી મેઘવાલને વિરમભાઈ ગઢવી સાથે પરિચય થયો હતો. બાદમાં વિરમભાઈને મકાનનો સામાન ફેરવવાનો હોવાથી પાસરભાઈનો સંપર્ક કર્યો હતો. આ સમયે વિરમભાઈએ જણાવ્યુ હતું કે, સરકારી ગુડાના મકાન લેવા હોય GUDA ઓફિસમાં સારી ઓળખાણ છે. પ્રથમ તમારે રૂ.5500નો ડીડી ભરવો પડશે. તેથી સોમાજી તથા તેમના દીકરા અશોક મેઘવાલે 18-12-2022ના રોજ ડીડીના રોકડા રૂ.11,000 રોકડા આપ્યા હતા. ત્યારબાદ વિરમભાઈએ સોમાજીને કહ્યું હતું કે, બીજા પાંચથી છ GUDAના મકાન કોઈને જોઈતા હોય તો હું કરાવી આપીશ. બાદમાં સોમાજી મેઘવાલે સમાજના બગદાજી દરગાજી મેઘવાલ તથા પંકજકુમાર ટાપરાજી મારવાડી, કાંતીલાલ બુમ્બાજી હીંગોલા તથા પદમાજી ગલબાજી મેઘવાલ (તમામ રહે. ધોળાકુવા) સાથે વાત કરી હતી. પાસરભાઈ સહિત આ તમામ લોકો GUDAના મકાન લેવા માટે તૈયાર થયા હતા અને સે-22 નવરાત્રિ ચોક નજીક વિરમભાઈ ગઢવીને મળ્યા હતા. વિરમભાઈએ જણાવ્યું હતું કે, એક મકાનના કુલ રૂ.5.50 લાખ થશે. પ્રથમ રૂ.5500 ડીડીના ભરવા પડશે. કુલ ત્રણ તબક્કામાં રૂ.1,17,500 ભરવાના થશે. એક હપ્તો ભરાઈ ગયા પછી મકાનની ચાવી મળી જવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
આમ વિરમભાઈની વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ 10-4-2023 સુધીમાં તેમના ફોન પે પર અને રોકડમાં રૂ.1,18,400 ચૂકવ્યા હતા. કાંતીલાલ હિંગોલાએ વિરમભાઈ ફોન અને રોકડા મળી રૂ.1,79,750 આપ્યા હતા. પંકજભાઈ મારવાડીએ રોકડા અને ગૂગલ પે થકી રૂ.66,000 વિરમભાઈને આપ્યા હતા. બગદાજી મારવાડીએ રૂ.60,500 ફોન પેથી વિરમભાઈ ગઢવીને આપ્યા હતા. સોમાજી મારવાડીએ રૂ.1,36,500 અને અશોકભાઈ મારવાડીએ રૂ.1,49,000 આપ્યા હતા. વિરમભાઈને નાણાં ચૂકવ્યા બાદ આ તમામ લોકોએ મકાન બાબતે અવાર-નવાર પૂછપરછ કરી હતી.
GUDAના મકાન નહીં મળતાં છ વ્યક્તિઓએ નાણાં પરત માગ્યા હતા, પરંતુ તેમણે મકાન અપાવ્યા ન હતા. તેમ જ વિરમભાઈએ અલગ-અલગ તારીખના ચેક ભરીને આપ્યા હતા, પરંતુ જે બેંકના ચેક હતા ત્યાં તેમણે ખાતા બંધ કરાવી દીધા હતા. આ મામલે તપાસ માટે ફરિયાદી સહિત તમામ વ્યક્તિએ પોલીસ મથકમાં અરજી આપી હતી. આ અરજીની તપાસ બાદ રોકડા અને ઓનલાઈન બેંકિંગ થકી રૂ.7.70,650ની છેતરપિંડી મામલે ગુનો દાખલ કરી સે-21 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.