તત્કાલીક મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં GIDCમાં કાર્યરત નાના-લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ ૨૦૦૯માં આ’ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ પ્રકારની વિવિધ યોજનાના પરિણામ સ્વરૂપે આજે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત મોડેલ દેશભરમાં પ્રચલિત થયું છે. ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ ગુજરાતમાં રાજ્ય સરકારે તા.૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૨૧૨ એકમોને રૂ. ૯,૬૩,૮૬,૮૫,૭૪૪/-ની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે તેમ, અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ દ્વારા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ઉદ્યોગ મંત્રી શ્રી રાજપૂતે પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ નવા પ્રોજેક્ટ અને કાર્યરત પ્રોજેક્ટના વિકાસ- વિસ્તૃતકરણના હેતુથી ૧૦ વર્ષના સમયગાળા માટે સહાય આપવામાં આવે છે. જેમાં તાલુકા-૦૧, તાલુકા-૦૨ અને તાલુકા-૦૩ એમ ત્રણ કેટેગરીમાં ગ્રાન્ટ- સબસીડી આપવામાં આવે છે. આ હેઠળ ઉદ્યોગ એકમોને જમીન,નવીન બિલ્ડીંગ, નવીન મશીનરી-સાધનો, ડિઝાઇન વગેરે ક્ષેત્રે રોકાણ માટે નિયમો મુજબ સહાય કરવામાં આવે છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.