રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વધુમાં વધુ રકમનો ખર્ચ કરી નાગરિકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧૫૦૨.૩૨ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૩૩૪ કરોડના વધારા સાથે રૂ. ૧૮૩૬.૮૩ કરોડની જોગવાઈ કરાઈ હતી, તેમ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧૨૭૯.૮૮ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧૫૯૧.૮૭ કરોડની ફાળવણી કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી આ રકમ પૈકી વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૪.૭૧ ટકા અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૨.૩૮ ટકા રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું કે, ગત બે વર્ષમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને નવા કડિયા નાકાઓ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ શ્રમિક પરિવારના બાળકોના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ હેઠળ સહાય પણ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત શ્રમિકોની આરોગ્ય તપાસ માટે નવા ૨૫ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યા છે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી હેઠળ ૨૩ પ્રકારના ટૂંકાગાળાના નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં આઇ.ટી.આઇ. દ્વારા ૧.૨૩ લાખથી વધુ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૨૮ લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. યુવાનોને નવા કૌશલ્યો વિષયક તાલીમ આપવા માટે કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી અને રાજ્યના આઇ.ટી.આઇ. ખાતે વિવિધ અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ ડ્રોન ટેકનોલોજી હેઠળ યુવાનોને તાલીમબદ્ધ કરવા તાલીમ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે.