ગુજરાતમાં નરેન્દ્ર મોદીના કાર્યકાળ લઈ આજ દિન સુધી ઓબીસી સમાજ માટે બજેટના એક ટકા પણ રકમ ફાળવવામાં આવી નથી અને પોતાને ઓબીસી કહેવડાવવાનો ઢોંગ કરે છે : અમિત ચાવડા
“સબ કા સાથ, સબ કા વિકાસ” સુત્ર સારું લાગે છે પણ મુઠ્ઠીભર લોકોનો જ વિકાસ થાય છે : અમિત ચાવડા
ગાંધીનગર
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી એમણે ક્યારેય એમ કીધું પણ નહોતું કે હું ઓ.બી.સી.માંથી આવું છું અને એના માટે ક્યારેય ગૌરવ પણ નહોતું લીધું. પણ દેશની રાજનીતિમાં જ્યારથી ગયા ૨૦૧૪ થી ત્યારે દરેક ભાષણમાં કહે કે હું ગરીબ સમાજમાંથી આવું છું, ઓ.બી.સી. સમાજમાંથી આવું છું, ગરીબી મે જોઈ છે એના નામે રાજનીતિ થતી આપણે છેલ્લા ૧૦ વર્ષમાં જોઈ છે. તેમણે રાહુલ ગાંધીના દાવોએ સમર્થન આપતા કહ્યું કે રાહુલજીએ બહુ સાચી વાત કરી કે નરેન્દ્રભાઈનો જન્મ ઓ.બી.સી.માં થયો નથી કારણ કે એમનો જન્મ થયો ત્યારે એમની જે પેટા જ્ઞાતિ જે મોઢ ઘાંચી છે એનો સમાવેશ ઓ.બી.સી.ની યાદીમાં નહોતો થયો. દેશમાં જયારે બાજપાઈજીના નેતૃત્વમાં સરકાર આવી ત્યારે કેન્દ્ર સરકારે એ સમાજનો સમાવેશ થયો.
તેમણે જણાવ્યું કે જન્મ કરતા પણ નરેન્દ્રભાઈ કોઈપણ રીતે કર્મે ઓ.બી.સી. નથી એટલું ચોક્કસ આંકડા અને પુરાવા સાથે અમે આપી શકીએ એમ છીએ કારણ કે ગુજરાતમાં લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા છે, આજે પણ એમના પક્ષની સરકાર છે, ચેલેન્જ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને ચેલેન્જ છે કે આ ત્રણ દાયકાઓના ભાજપના ગુજરાતના શાસનમાં દર વર્ષે બજેટ બને છે, એકપણ વર્ષનું બજેટ એવું બતાવે કે એમાં નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળનો પણ સમાવેશ થાય છે કે જેમાં ગુજરાતના બક્ષીપંચ સમાજ માટે જે સામાજિક અને આર્થીક પછાત વર્ગ વિભાગ છે જેના મંત્રી પણ અલગ છે એને બજેટમાંથી એક ટકો રકમ પણ ફાળવી હોય. ૧૦-૨૦ વર્ષના બજેટના આંકડાઓ જોઈએ તો ૫૨ ટકા વસ્તી ધરાવતા બક્ષીપંચ સમાજને દર વર્ષે જે બજેટ બને છે, આ વર્ષે ૩ લાખ ૩૨ હજાર કરોડનું બજેટ બન્યું પણ આ વિભાગને એક ટકો પણ રકમ ફાળવી હોય એટલે નરેન્દ્રભાઈ જન્મે તો બક્ષીપંચમાં નહોતા પણ જ, કર્મે પણ બક્ષીપંચની ચિંતા કરવાવાળા રહ્યા નથી. ખરેખર જો પ્રધાનમંત્રી બક્ષીપંચ સમાજમાંથી આવતા હોય, અસલી બક્ષીપંચ હોય, બક્ષીપંચની ચિંતા હોય તો મારી એમને વિનંતી છે કે ગુજરાતમાં ૫૨ ટકા વસ્તી ધરાવતો બક્ષીપંચ સમાજ, ૭ ટકા વસ્તી ધરાવતો દલિત સમાજ, ૧૪ ટકા વસ્તી ધરાવતો આદિવાસી સમાજ અને ૯ ટકા વસ્તી ધરાવતો લઘુમતી સમાજ એને દરેક રીતે બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે, વિકાસના લાભ એના સુધી પહોંચતા નથી.
“સબ કા સાથ, સબ કા વિકાસ” સુત્ર સારું લાગે છે પણ મુઠ્ઠીભર લોકોનો જ વિકાસ થાય છે, આમ જો સાચા અર્થમાં બક્ષીપંચ સમાજમાંથી આવતા હોય, અસલી બક્ષીપંચ હોય, બક્ષીપંચની ચિંતા હોય તો તાત્કાલિક ડબલ એન્જીનની સરકાર છે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પ્રધાનમંત્રીશ્રી ગુજરાત સરકારને સુચના આપે તો માનીએ કે બક્ષીપંચ પ્રત્યે લાગણી ધરાવે છે, ગરીબ લોકોના હિતોની ચિંતા કરે છે, ગરીબ લોકોને જે અન્યાય થાય છે એમાં ન્યાય અપાવવા ચિંતિત છે.