ગાંધીનગર જિલ્લાના ૩ હજાર કરતાં વઘુ પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. સરકારની વિવિઘ આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થનાર લાભાર્થીઓને દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રઘાને ગુજરાતના વિવિઘ જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.કેન્દ્ર તથા રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત ગાંધીનગર સહિત રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1 લાખ 31 454 જેટલા આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ દેશના વડાપ્રઘાન મોદીએ લાભાર્થીઓ સાથે સીઘો સંવાદ કરી તેમના આનંદમાં સહભાગી બન્યા હતા. રાજ્ય વ્યાપી આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દહેગામ તાલુકાના સાંપા ગામના દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજ ખાતે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને કલેકટર એમ.કે.દવેની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 93 આવાસ, નગરપાલિકા વિસ્તારના 651,આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના 19 આવાસ અને પંડિત દિનદયાળ આવાસ યોજનાના પાંચ મળી કુલ 768 આવાસોનું લોકાર્પણ કરાયું હતું. માણસા તાલુકામાં 41 ગામ કડવા પાટીદાર સમાજ વાડી, રીદ્રોલ રોડ ખાતે ધારાસભ્ય જે .એસ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 145 અને નગરપાલિકાના 702, આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના 14 મળી કુલ 861 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કલોલ તાલુકામાં ઓ.એન.જી.સી ગ્રાઉન્ડ પંચવટી વિસ્તાર ખાતે નિવાસી અધિક કલેકટર દિગંત બહ્મભટ્ટની હાજરીમાં યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 66 આવાસો, નગરપાલિકાના 383 આવાસો અને આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના 9 મળી કુલ 458 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેર ઉત્તરમાં સેક્ટર-17 હેલીપેડ ડોમ ખાતે ધારાસભ્ય રીટાબેન પટેલ અને દક્ષિણમાં દાદા નગર કન્વેન્શન સેન્ટર, અમદાવાદ- મહેસાણા હાઇવે, અડાલજ ખાતે ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગર શહેરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 18 આવાસો તથા ગુડાના 1208 આવાસો મળી કુલ 1226 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં જુદી જુદી આવાસ યોજનાઓ થકી ડી.આર.ડી.એ, ગુડા, નગરપાલિકા, આંબેડકર આવાસ યોજના ગ્રામ્ય અને શહેરી તથા પંડિત દિન દયાળ આવાસ યોજનાના કુલ 3,313 આવાસોના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા.