ગાંધીનગરમાં ગુજરાત પોલીસ કરાઇ એકેડમીમાં સગાઈની ખોટી પત્રિકા બનાવી રજા મેળવનાર તાલીમી પીએસઆઇને પાણીચું આપી દેવામાં આવ્યું છે. તપાસ બાદ વધુ ચાર તાલીમી પીએસઆઇ દ્વારા ખોટી પત્રિકા બનાવીને સરકારી નોકરી માટેની પરીક્ષા આપવામાં આવી હતી. જે પોલીસ તપાસમાં સામે આવતા ચાર તાલીમી પીએસઆઇ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કરાઈ પોલીસ એકેડમીમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવનાર કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે એક દિવસ પહેલા પાલનપુરના સાંગરા ગામના રહેવાસી તાલીમી પીએસઆઇએ પોતાની સગાઈની ખોટી પત્રિકા બનાવી રજા મંજૂર કરાવવા માટે રિપોર્ટ મૂક્યો હતો જેમાં યુવતીનું નામ શંકાસ્પદ લાગતા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
ડભોડા પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવતા નવા ચાર તાલીમી પીએસઆઇ દ્વારા પોતાના ભાઈ બહેન અને સંબંધીઓની સગાઈની ખોટી પત્રિકા બનાવી સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા રજા રીપોર્ટ મૂક્યો હતો. એકેડમી દ્વારા પહેલા પણ ચેતવણી આપવામાં આવી હતી તેમ છતાં શિષ્ટભંગ કરનારા પાંચ પીએસઆઈને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સુરતના દેવલબેન દેવમુરારી, બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂણી ગામના કમલેશ સુથાર, થરાદ તાલુકના શેરાવ ગામના મહાદેવભાઈ પટેલ અને મોરબીના હળવદમાં રહેતા હરેશદાન ટાપરિયાએ રજા મેળવવા ભાઈ-બહેન તેમજ સગા સંબંધીઓના નામની સગાઈની બનાવટી પત્રિકા બનાવી હતી.