અયોધ્યામાં બીજા ગુજરાતીનું હાર્ટ એટેકથી મોત થયું છે. હજી એક દિવસ પહેલા જ આસ્થા ટ્રેનમાં અયોધ્યા જતા વડોદરાના ભક્તનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે વધુ એક ગુજરાતીને રામ મંદિરમાં દર્શન કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો, અને તેઓ ત્યા જ ઢળી પડ્યા હતા. હાલ તેમના મૃતદેહને ગુજરાત લાવવાની કામગીરી ચાલુ છે.
બનાસકાંઠાના દિયોદરના રામભક્તને રામના ધામમાં મોત મળ્યું. દિયોદરના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોરનું અયોધ્યામાં હાર્ટએટેકથી નિધન થયું છે. અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન ગોરધનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ અટેકથી ઢળી પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી તેમના સાથી રામભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નોખા ગામના 55 વર્ષીય ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોરનું મોત નિપજતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુરથી અયોધ્યા રેલ્વે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, હજી એક દિવસ પહેલા જ વડોદરાના રામ ભક્તને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. આસ્થા ટ્રેનથી અયોધ્યા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. વડોદરાના રમણભાઈ પાટણવાડીયાનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તેઓ ગત રોજ વડોદરાથી આસ્થા ટ્રેન મારફતે શહેરના ભક્તો સાથે અયોધ્યા જવા નીકળ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે રમણભાઈને હાર્ટ એટેક આવ્ય હતો. ત્યારે રમણભાઈના મૃતદેહને લઇ ભાજપ કાર્યકરો વડોદરા આવવા રવાના થયા છે.