૧૯મી નેશનલ ઇન્‍ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો અમદાવાદમાં શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Spread the love

રમત-ગમત મંત્રી  હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

ત્રિદિવસીય મીટમાં દેશના વિવિધ રાજ્યોના ૬૧૬ જિલ્લાઓના સાડા પાંચ હજારથી વધુ જુનિયર એથ્લિટ્સ પોતાનું કૌવત ઝળકાવશે

ગુજરાતમાં દેશનું પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઇ પરફોર્મન્સ સેન્ટર બનવાની નેમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના યુવાનોને ખેલકૂદ ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવેલો : રમતગમત રાજ્યમંત્રી  હર્ષ સંઘવી

અમદાવાદ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી ૧૯મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ(NIDJAM)નો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

૧૯મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ(NIDJAM)ના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સુધીનાં ક્ષેત્રોમાં થયેલા વિકાસમાં યુવાઓના કૌશલ્યને નીખરવાનો મોકો મળ્યો છે. દેશના આ અમૃતકાળમાં યુવા શક્તિને સજ્જ અને સશક્ત બનાવીને રાષ્ટ્રના વિકાસનો વડાપ્રધાનશ્રીનો ધ્યેય સ્પોર્ટ્સ સેકટરમાં પણ સાકાર થઈ રહ્યો છે. ગુજરાતના આંગણે યોજાઈ રહેલી ૧૯મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ(NIDJAM) તેનું ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.દેશનાં રાજ્યોના ૬૧૬ જિલ્લાઓમાંથી આવેલા પાંચ હજારથી વધુ એથ્લિટ્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વનો સૌથી મોટો ગ્રાસ રૂટ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ગુજરાતમાં થઈ રહ્યો છે એ ગર્વની વાત છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતવીરોને ‘ખેલે તે ખીલે’નું સૂત્ર આપ્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશમાં સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી છે અને ખેલ-કૂદ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે રમત-ગમતના કેન્દ્રીય બજેટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૪થી લઈને આજ સુધી નવી નવી યોજનાઓના માધ્યમથી રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતના રમતવીરોએ વિવિધ રમતોમાં હાંસલ કરેલી અપ્રતિમ સિદ્ધિઓ તેનું ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં સ્પોર્ટ્સ ક્ષેત્રનું બજેટ માત્ર ૨.૫ કરોડ રૂપિયા હતું, જે આ વર્ષના બજેટમાં ૩૭૬ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ સાથે ‘ખેલ મહાકુંભ’નો પ્રારંભ કરાવેલો. વડાપ્રધાન બન્યા બાદ ખેલ મહાકુંભના સ્વરૂપને વિસ્તારીને રાષ્ટ્રીય સ્તરે ‘ખેલો ઇન્ડિયા’ સ્પર્ધાની શરૂઆત તેમણે કરાવી છે. આ વર્ષે ખેલ મહાકુંભ ૨.૦માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. એમાં પણ ૪૪ લાખથી વધુ ખેલાડીઓ તો ૧૭ વર્ષથી નાની વયના છે.

દેશનો પહેલો સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જેવો અદભુત કાર્યક્રમ પણ ગુજરાતમાં હમણાં જ સંપન્ન થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક રમતોની યજમાની કરવા માટે પણ ભારત તૈયારી કરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોની ગુજરાતની તૈયારી વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઓલિમ્પિક સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથોસાથ ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના એથ્લિટ્સ પણ તૈયાર કરી રહ્યું છે. પેરાએથ્લિટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં દેશનું પહેલું મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બનવા જઈ રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. આવી ભવ્ય સ્પોર્ટસ ઇવેન્ટ ૨૦૪૭માં દેશને વિકસિત ભારત, ઉન્નત ભારત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનેક જિલ્લાઓમાંથી ગુજરાત પધારેલા યુવાનો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ને સાચા અર્થમાં સાર્થક કરે છે. અમદાવાદમાં આ રમતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ છે.ગુજરાતની સિદ્ધિ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય કે જેણે માત્ર ૧૦૦ દિવસ જેટલા ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન કર્યું હતું. ખેલકૂદ ક્ષેત્રે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રયાસ કર્યા છે. ખેલમહાકુંભ વિશે વાત કરતાં શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના યુવાનોને ખેલકૂદ ક્ષેત્રે એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ખેલમહાકુંભનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને તેના થકી અનેક ખેલાડીઓ પોતાની પ્રતિભા ઝળકાવી શકયા. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ વખતે ખેલમહાકુંભના બજેટમાં વધારો કરી અનેક નવી રમતોનો સમાવેશ કરાયો છે. સાથો સાથ ખેલાડીઓને તાલીમ આપવા માટે પણ સરકારે જોગવાઈ કરી છે. આ ઉપરાંત શક્તિદૂત યોજના થકી ખેલાડીઓને સહાય પણ અપાઈ છે અને આજ કારણોસર ગુજરાત આજે અનેક ખેલોમાં અવ્વલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે દેશના અનેક જિલ્લાઓમાંથી પધારેલા ખેલાડીઓનું ગુજરાતની પાવન ભૂમિ પર હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, રાજ્યમાં ૨૦૨૨માં નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન કરાયું હતું. ત્યારબાદ દોઢ વર્ષ પછી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથલેટિક્સ મીટનું આયોજન થઈ રહ્યું છે, જેનો શ્રેય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીને જાય છે.આ પ્રસંગે દરેક રાજ્યોમાંથી આવેલા એથ્લેટ્સ દ્વારા ગુજરાત પોલીસના બેન્ડ સાથે માર્ચ પાસ્ટ દ્વારા ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ ઇવેન્ટની એંથમ પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એથેલેટિક ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત, ૧૬મી થી ૧૮મી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ૧૯મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટિક મીટમાં દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આશરે ૫૫૦૦થી વધુ એથ્લેટસ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. અંડર-૧૪ તથા અંડર-૧૬ કેટેગરીની આ ઇવેન્ટમાં ૩૩૬૫ યુવાનો અને ૨૧૯૩ યુવતીઓ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત તમામ ટીમોના ૧૧૦૫ કોચ પણ ખેલાડીઓ સાથે ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, એએફઆઇ પ્રમુખ શ્રી આદિલે સુમરીવાલા, સેક્રેટરી શ્રી રવીન્દ્ર ચૌધરી, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના ડાયરેક્ટર શ્રી આર.એસ. નિનામા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.નીરજા ગુપ્તા, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડો. અર્જુનસિંહ રાણા અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com