14 ફેબ્રુઆરીએ એક તરફ પ્રેમીએ વેલેન્ટાઇન ડેન ઉજવણી કરી રહ્યા હતા. તો બીજી તરફ સુરતમાં એક પ્રેમી પ્રેમિકા સામે દિલની સાથે સાથે 96 લાખ પણ હારી ગયો હતો. પ્રેમમાં પાગલ બનેલા પ્રેમિકાએ પ્રેમીને વશમાં લઈ 96 લાખ રૂપિયા પડાવી લીધા હતા, અને યુવકની આંખ ઉઘડી ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
96.44 લાખ લઈને જઈ રહેલો શખ્સ સીસીટીવીમાં કેદ સુરત શહેરના વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડૂઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા 96.44 લાખ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને છેતરાયા હોવાનો અહેસાસ થતાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હાલમાં ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન 96 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને જતો આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર મુજબ વેડરોડ વિરામનગર સોસાયટી સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય દિલીપ ધનજી ઉકાણીએ 29 વર્ષીય જયશ્રી દિનેશ ભગત અને તેના 30 વર્ષીય પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલી કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. આ દરમ્યાન તેનો જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા.
જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જેથી દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી સાથે રહેવા લાગ્યા બાદ પણ તેનો પ્રેમી શુભમ અવાર નવાર મળવા માટે આવતો હતો. જે અંગે દિલીપે પૂછતા જયશ્રીએ કહ્યું કે, શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધુ હતું.
ગત 23મી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકંજ સોસાયટીમાં આવેલું પોતાની માલિકીનું મકાન વેચી નાંખ્યું હતું. આ મકાનના રૂપિયા 96.44 લાખ આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મુકી રાખી હતી.31મી જાન્યુઆરીએ જયશ્રીએ દિલીપને કહ્યું કે ‘ચાલો મારા બાળકોને તેના પિતાના ઘરે ડભોલી મુકી આવીએ, રિક્ષામાં બંને બાળકોને મુકવા નીકળ્યા હતા. જયશ્રી બજરંગ નગરના ગેટ પાસે ઉભી રહી બાળકોને દિલીપને પિતા પાસે મુકી આવવા કહ્યું હતું. દિલીપ બાળકોને મુકીને પરત ફર્યો એટલાંમાં તો જયશ્રી ગાયબ હતી. દિલીપે જયશ્રીને કોલ કરતાં તેણે રિસીવ કર્યો ન હતો. ઘરની ચાવી જયશ્રી પાસે હતી. ત્યાર પછી દિલીપે ઘરનું તાળું તોડી અંદર જઈ કબાટમાં જોયું તો 96.44 લાખ ગાયબ હતા.
શુભમ અને જયશ્રી પૈસા ચોરી ગયા હોવાનુ બહાર આવતા ગત 13 ફેબ્રુઆરીએ દિલીપભાઈએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે દિલીપના ઘરમાંથી 96 લાખ રૂપિયા ભરેલો થેલો લઇને જતો શુભમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે જે થેલો ભારે હોવાથી માંડ ઊંચકીને લઈ જઈ રહ્યો છે.