અમેરિકન પોલીસ દ્વારા 26 વર્ષની ભારતીય યુવતીનો અકસ્માત કરવા અને યુવતીના મોતનો ભાવ 11000 ડોલર લગાવવાથી ભારતમાં હડકંપ મચી ગયો છે. 25 જાન્યુઆરી 2023એ USAના સિએટલમાં 26 વર્ષની ભારતીય વિદ્યાર્થીની જાહ્નવી કાંડુલા રોડ પાર કરી રહી હતી. ત્યારે બીજી તરફથી 120ની ઝડપથી આવેલા અમેરિકન પોલીસ વાહન ચાલક ડેવે જોરદાર ટક્કર મારી દીધી. ડેવ તે સમયે ડ્રગ ઓવરડોઝનો કોલ અટેન્ડ કરવા માટે જઈ રહ્યો હતો.
ગાડીની સ્પીડ એટલી વધારે હતી કે તેની ઝપેટમાં આવતા જ જાહ્નવી ઉછળીને 100 મીટર દૂર જઈ પડી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
આ મામલાએ ફરી એકવાર જોર પકડ્યું છે, જ્યારે યુવતીના મોતના જવાબદાર પોલીસ અધિકારી વિરૂદ્ધ સિએટલના કિંક કાઉન્ટી પ્રોસિક્યૂટર ઓફિસ દ્વારા કેસ દાખલ ન કરાયો અને તેને છોડી દેવાયો છે. એટલું જ નહીં સિએટલ પોલીસ વિભાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ડેશકેમ ફુટેજમાં ઓફિસર ડેનિયલ ઓેડેરે દ્વારા ઘાતક દુર્ઘટનાને સામાન્ય ગણી. ઓડેરેને વીડિયોમાં કહેતા સંભળાયા બસ એક ચેક લખો. 11,000 ડોલર, તેઓ 26 વર્ષની હતી, તેની એટલી જ કિંમત હતી.
યુવતીને ન્યાય ન મળવા અને તેની કિંમત નક્કી કરવાના ઓડેરેનો આ વીડિયો આવ્યા બાદ ભારતમાં હડકંપ મચી ગયો છે. તેને લઈને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખ્યો છે.
સ્વાતિએ પત્રમાં લખ્યું કે, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની સાથે એટલી મોટી ઘટના છતા દુર્ઘટનામાં સામેલ ઓફિસર પર કોઈ પણ કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવી રહી, જેનું કારણ પૂરાવાની અછત ગણાઈ રહી છે. તેનાથી ન માત્ર જાહ્નવીનો પરિવાર જ નહીં પરંતુ તમામ ભારતીયોને દુઃખ પહોંચ્યું છે.
USAની ન્યાય પ્રણાલીની બેદરકારી પર સાંસદ માલીવાલે વિદેશ મંત્રીને આ અંગે હસ્તક્ષેપ કરવા અને જાહ્નવી કાંડુલા અને તેના પરિવાર માટે ન્યાય અપાવવાની અપીલ કરી છે.
આ મામલે તેલંગાણાના પૂર્વ આઈટી મિનિસ્ટર કેટી રામા રાવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂતને આ મામલાને US ગવર્નમેન્ટ ઓથોરિટીની સામે ઉઠાવવા અને જાહ્નવીના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરાઈ છે.