ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. જેમાં ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ અને બે બેઠકો ભરૂચ અને ભાવનગર પર AAP લડશે. જેમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા અને ભવાનગર બેઠક પરથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડશે.
ઈન્ડિયા ગઠબંધને ભાવનગર લોકસભાના જાહેર કરેલા
‘આપ’ના ઉમેદવાર ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, સાળંગપુર કષ્ટભંજન
હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ
કરી રહ્યો છું. તેમજ તમામ પક્ષો સાથે મળીને ભ્રષ્ટાચાર સામે
લડીશું અને ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવવાની
આશા વ્યક્ત કરી હતી. ઉમેશ મકવાણાએ ઇન્ડિયા
ગઠબંધનનો પણ આભાર માન્યો હતો.
આ દરમિયાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શને આવ્યા હતા. ત્યારે ઉમેશ મકવાણાએ લોકસભાની ચૂંટણી માટે નીતીન પટેલના આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી. જોકે, ઉમેશ મકવાણાએ આ બન્ને હરાવ્યા હતા. બોટાદના ધારાસભ્ય તરીકે ઉમેશ મકવાણાને હવે લોકસભામાં ભાવનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે.
વિસાવદરના AAPના ધારાસભ્ય ભુપત ભાયાણીએ જ્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપશે તેવી અટકળો વહેતી થઈ હતી. આ અટકળોની વચ્ચે ઉમેશ મકવાણાએ ચોખવટ કરી હતી કે, હું ભાજપમાં જોડાવાનો નથી. તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘તેઓ AAPના ધારાસભ્યો પર ખોટા કેસો કરી દબાણ કરી રહી છે. ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે’.
ભાજપ સરકાર દ્વારા AAPના ધારાસભ્યો પર ખોટા કેસો કરી દબાવવાનો પ્રયત્ન કરી રહી છે જેથી ભૂપતભાઈએ રાજીનામું આપ્યું હોવાનું ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું. મારા રાજીનામાની ચર્ચા માત્ર અફવા છે હું પાંચ વર્ષ સુધી ‘આપ’માં જ રહેવાનો છું. અમે ચારેય AAPના ધારાસભ્યો પક્ષમાં જ રહેવાના છીએ.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બોખલાઈ
ગઈ છે. અમારા સાથી ધારસભ્યને ડરવી-ધમકાવી ખોટા
કેસો કરવાનું કાવતરું કરી રહી છે. ભાજપ પાર્ટી અમારા
ધારાસભ્ય પર પ્રેશર બનાવી રહી છે. ભૂપત ભાયાણી ખૂબ
જ સારા વ્યક્તિ હતા, પરંતુ ભાજપ પક્ષ વોશિંગ મશીન
લાવી છે. જેમાં કોઈપણ કૌંભાડી હોય તે ભાજપમાં આવી
જાય એટલે શુદ્ધ થઈ જાય છે. ગુજરાતની જનતા આગામી
સમયમાં ભૂપત ભાયાણીના રાજીનામાને ક્યારેય માફ કરવાની
નથી. હું અને મારા સાથી 3 ધારાસભ્યો 5 વર્ષ સુધી AAP
રહીને જ કામ કરીશું અને ગુજરાતની જનતાનો અવાજ
વિધાનસભામાં ઉઠાવતા રહીશું.
આમ આદમી પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠક પર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર બેઠક પર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા બોટાદ આપના કાર્યકરોએ ઢોલ નગારા અને આતશબાજી યોજી ખુશી વ્યક્ત કરી હતી.
ગત જાન્યુઆરીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની ભરૂચ બેઠકથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. ત્યારે આજે ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. જેમાં ભરૂચ લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે. આ ગઠબંધનમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે એક સમયે કોંગ્રેસ ચલાવતા સ્વ. અહેમદ પટેલના પરિવારના પ્રભૂત્વવાળી ભરૂચ બેઠક AAPના ફાળે ગઇ છે.