અમદાવાદમાં સબ રજિસ્ટ્રારના ઘરેથી ACBને સર્ચ દરમિયાન 58 લાખથી વધુની રોકડ હાથ લાગી હતી. રોકડની સાથે તેના ઘરમાંથી વિદેશી દારૂની 12 બોટલ પણ મળી આવી હતી. આ દરમિયાન ACBએ લાંચિયા સબ રજિસ્ટ્રાર સામે પ્રોહિબિશનનો પણ ગુનો નોંધ્યો છે. વેજલપુરમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રારે એક સોસાયટીના મકાનના દસ્તાવેજો કરી આપવાના બદલામાં 1.50 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. ACBએ તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હવે તેની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
પતિ-પત્નીએ કરેલા ખુલાસાઓમાં વિરોધાભાસ હતો વેજલપુરમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર તુલસીદાસ પરષોત્તમભાઈ મારકણા સામે 12 ઓગસ્ટ 2023ના રોજ 1.50 લાખની લાંચ માગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમના મકાનની તપાસ કરતા 58,28,500 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ બાબતે આરોપી તુલસીદાસ મારકણા તથા તેમના પત્નીએ કરેલ ખુલાસાઓમાં વિરોધાભાસ જણાયો હતો.
આ રકમ બાબતે આરોપીએ કોઈ સંતોષકારક ખુલાસાઓ કર્યા નહોતા. જેથી આરોપી તુલસીદાસ દ્વારા ભ્રષ્ટાચાર કરીને રકમ ભેગી કરી હોવાનું ACBને જણાયું હતું. જેથી હવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરીને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
આ અંગે એસીબી જી.વી. પઢેરીયાએ જણાવતા કહ્યું હતું કે, લાંચ-રૂશ્વત વિરોધી દ્વારા આશરે એક વર્ષ પહેલા વેજલપુર સ્થિત સબ રજીસ્ટ્રારની કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તેમજ તેમના ઘરેથી 53 લાખની રોકડ મળી આવી હતી. આ અંગે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તુલસીદાસની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે 53 લાખની રોકડ સંદર્ભમાં કોઈ ખુલાસો ન કરી શકતા અંતે તેમના વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે, જીવરાજ પાર્કમાં આવેલી રામતીર્થ સોસાયટીમાં રહેતા તુલસીદાસ મારકણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા હતા. ગત ઓગસ્ટ મહિનામાં એસીબીએ દરોડો પાડ્યો હતો અને તુલસીદાસને રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ સમયે એસીબીની એક ટીમે તેમના ઘરે તપાસ કરી તે સમયે તેમના એક પરિચિત વ્યક્તિ ઘરેથી એક બેગમાં કેટલીક રોકડ અને શંકાસ્પદ વસ્તુ લઈને નાસતા જતા પકડાયા હતા. તપાસમાં રૂપિયા 53 લાખની રોકડ અને 12 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે એસીબીએ તેમજ પોલીસે કાર્યવાહી કરી હતી.
એસીબીને મળી આવેલી રોકડ અંગે તુલસીદાસની પૂછપરછ કરી હતી, પરંતુ તે આ રોકડ અંગે ખુલાસો કરી શક્યા નહોતા. જેના આધારે લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા શનિવારે તુલસીદાસ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. જે સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.