સમગ્ર ગુજરાતના વકીલોની શક્તિશાળી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણ સભાની આજે બેઠક મળી હતી. જેમાં સિનિયર એડવોકેટ જે. જે. પટેલ સર્વાનુમતે બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. બાર કાઉન્સિલની સ્થાપના થયા પછી બીજી વખત બાર કાઉન્સિલના ચેરમેન બન્યા હોય તેવા જે. જે. પટેલ એકમાત્ર એડવોકેટ છે. ચેરમેન પેટેલે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વકીલો સાથે કરાતા ‘અપમાનજનક’ કિસ્સામાં સરકારમાં અસરકારક રજૂઆત કરાશે.
1,20,000 વકીલો ધરાવતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત 272 બાર એસો. ધરાવે છે. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણ સભા મળી હતી. જેમાં પ્રમુખ તરીકે જે.જે. પટેલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. વાઇસ ચેરમેન તરીકે મુકેશ કામદારની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કરાઈ છે.
આ અંગે જે.જે. પટેલે જણાવ્યું હતું કે, જનતાને નવા કાયદાઓ આપનારા પીએમ નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આભાર માનીએ છીએ. 24 કરોડ જેવી માતબર રકમ બીસીજીને આપવા બદલ વકીલો રાજ્યની સરકારનો આભાર માને છે. આગામી દિવસોમાં વકીલો માટે ભવન, એજ્યુ. એકેડમીનું નિર્માણ કરીશું. વકીલ પરિવારોને અપાતી મરણોત્તર રકમમાં વધારો કરવા બાર પ્રયત્નશીલ છે. જિલ્લા કક્ષાએ લીગલ સેમિનારનું આયોજન કરાશે. નોંધનીય છે કે, છેલ્લા 24 વર્ષથી સમરસ પેનલને બાર કાઉન્સિલમાં સત્તામાં રાખવામાં જે. જે. પટેલની મહત્ત્વની ભૂમિકા રહી છે.