PM મોદી હંમેશા દેશની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે પીએમ મોદીએ માદક દ્રવ્યો અને નશાના વ્યસનને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત અશ્વમેધ યજ્ઞ યોજાયો હતો. જેમાં પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ વિડીયો સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સ ખતરનાક છે જેને નિયંત્રણમાં ન રાખવામાં આવે તો જીવન નષ્ટ થઇ જાય છે. તેમણે ઉલ્લેખ કર્યો કે કેન્દ્રએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ “ડ્રગ-ફ્રી ઈન્ડિયા ઝુંબેશ” શરૂ કરી હતી, જે અત્યાર સુધીમાં લગભગ 11 કરોડ લોકો સુધી પહોંચી છે.
પીએમ મોદીએ કહ્યું કે નશાનું વ્યસન એવુ છે કે જેને કંટ્રોલ નહી કરવામાં આવે તો કેટલીક જિંદગીઓ નષ્ટ થઇ જશે. અમારી સરકારે 3-4 વર્ષ પહેલા અખિલ ભારતીય વ્યસન મુક્તિ અભિયાન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 11 કરોડ લોકો આ અભિયાનમાં જોડાયા છે. ગાયત્રી પરિવાર પણ આ ઝુંબેશ સાથે પણ સંકળાયેલો છે. મહત્વનું છે કે આ પહેલા પીએમ મોદીને મુંબઈમાં 21 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ‘અશ્વમેધ યજ્ઞ’માં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમનું આયોજન કરવા બદલ ગાયત્રી પરિવારની પ્રશંસા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે યજ્ઞ એ સામાજિક સંકલ્પનું એક મહત્વપૂર્ણ અભિયાન છે જે લાખો યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરવામાં મદદ કરશે.
તેમણે કહ્યું, “ગાયત્રી પરિવારનો અશ્વમેધ યજ્ઞ એ સામાજિક સંકલ્પનું એક મોટું અભિયાન છે. આ અભિયાન લાખો યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરશે અને તેમની ઉર્જાનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં થઈ શકશે. યુવાનો આપણું ભવિષ્ય છે.” પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આ અમૃત કાળમાં વિકસિત ભારત બનાવવાની જવાબદારી યુવાનોની છે.