દહેગામ મોડાસા હાઇવે પર દારૂ ભરેલી કારનો ટ્રેકટર સાથે અકસ્માત સર્જાતા રખીયાલ પોલીસે 57 હજારની કિંમતની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળીને કુલ રૂ. 1 લાખ 61 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત કાર ડ્રાઇવરને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ-મોડાસા હાઈવે કાલીપુરા પાટીયા નજીક આવેલ શિવગંગા કોલ્ડ સ્ટોરેજ સામે રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી અને ટ્રેક્ટરનો અકસ્માત સર્જાયો હોવાના મેસેજ મળતાં રખીયાલ પોલીસ અકસ્માત સ્થળે દોડી ગઈ હતી. ત્યારે માલુમ પડયું હતું કે, ઈન્ડીકા ટેલરમાં બટાકાના કટ્ટા ભરેલ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી અને કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.
બાદમાં પોલીસે ઈજાગ્રસ્ત કારના ચાલકનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ હિંગરાજસિંહ ઉર્ફે રાજબાપુ ઉદેસિંહ ડાભી (રહે. પ્રજાપતિ વાસ, રાજપુર તા.કડી) હોવાનું જણાવ્યું હતું. જેને ઈજાઓ થઈ હોવાથી પોલીસે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે મોકલી આપી ગાડીની તલાશી લીધી હતી. જેનાં પગલે ગાડીની પાછળની સીટના ભાગે તથા પાછળની ડેકીના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
જેની વિગતવાર ગણતરી કરતા 57 હજારની કિંમતની 454 નંગ વિદેશી દારૂ – બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર સહિત કુલ રૂ. 1 લાખ 61 હજારનો મુદ્દામાલ જપ્ત કરી હિંગરાજસિંહ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.