સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ ખાનવિલકરને મંગળવારે લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોકપાલના નિયમિત અધ્યક્ષનું પદ 27 મે, 2022 ના રોજ ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષની નિવૃત્તિ પછી ખાલી હતું. લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા ભજવી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક વડા પ્રધાનની આગેવાની હેઠળની પસંદગી સમિતિની ભલામણોના આધારે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એક અધ્યક્ષ સિવાય લોકપાલમાં 4 ન્યાયિક અને બિન ન્યાયિક સભ્યો હોઈ શકે છે.
નિવૃત્ત ન્યાયાધીશો લિંગપ્પા નારાયણ સ્વામી, સંજય યાદવ અને ઋતુરાજ અવસ્થીને પણ લોકપાલના ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુશીલ ચંદ્રા, ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને અજય તિર્કીને લોકપાલના બિન-ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂંકો ચાર્જ સંભાળ્યાના દિવસથી જ અસરકારક રહેશે તેમ જણાવાયું હતું.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા વચગાળાનાબજેટ2024-25માં લોકપાલને રૂ. 33.32 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેથી તે તેની સ્થાપના અને બાંધકામ સંબંધિત ખર્ચાઓને પહોંચી વળે. 2023-24ના બજેટમાં લોકપાલને શરૂઆતમાં 92 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં આ અંગેની અંદાજપત્રીય જોગવાઈ વધારીને રૂ. 110.89 કરોડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ને વચગાળાના બજેટમાં 2024-25 માટે 51.31 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ જોગવાઈ પંચના સચિવાલયના ખર્ચ માટે કરવામાં આવી છે. CVCને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 44.46 કરોડ ફાળવવામાં આવ્યા હતા જે બાદમાં વધારીને રૂ. 47.73 કરોડ કરવામાં આવ્યા હતા.
ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમારની લોકપાલમાં નિયુક્તિ કરવામાં આવી છે. પંકજ કુમારને રાષ્ટ્રપતિએ લોકપાલમાં નિયુક્ત કર્યા છે. પંકાજકુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. પંકજ કુમાર બિહારના પટનાના વતની છે. તેણે આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે.