ગાંધીનગરમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી દિલ્હીની યુવતીને પ્લાસ્ટિક એક્સપો દરમ્યાન સંપર્કમાં આવેલા વેપારીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી છ મહિના સુધી શારીરિક સુખ ભોગવી તરછોડી દીધી હતી. જેથી અડાલજ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિણીત પ્રેમીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. આ મામલે અડાલજ પોલીસનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીની આશરે 30 વર્ષીય યુવતી ગાંધીનગરમાં રહીને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે.
આજથી છ મહિના પહેલા પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો સેલ્સ એક્સપો યોજાયો હતો. જે અન્વયે યુવતી ઈવેન્ટ મેનેજમેન્ટનું કામકાજ સંભાળતી હતી. એ વખતે યુવતીની ઓળખાણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું ટ્રેડિંગ કરતા વેપારી સાથે થઈ હતી. આ દરમિયાન બન્ને વચ્ચે મોબાઇલ નંબરોની આપલે થઈ હતી. બાદમાં બંને વચ્ચે ટેલીફોનીક વાતચીતનો દોર શરૂ થયો હતો.
ધીમેધીમે બંને વચ્ચે મુલાકાતોનો દોર શરૂ થયો હતો અને વેપારીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપી વેપારીએ અલગ અલગ સ્થળોએ લઈ જઈ શારિરીક સંબંધો પણ બાંધ્યા હતા. બીજી તરફ યુવતી વેપારીના ગળાડૂબ પ્રેમમાં હોવાથી લગ્ન કરવાના સપના સેવી રહી હતી. પરંતુ વેપારી કોઈને કોઈ બહાના બતાવી વાતને ટાળી દેતો હતો.
આ દરમ્યાન વેપારી પરિણીત હોવાનો ભાંડો યુવતી સમક્ષ ફૂટી ગયો હતો. જેનાં પગલે બન્ને વચ્ચે શાબ્દિક બોલાચાલી થવા લાગી હતી. છ મહિના સુધી યુવતી સાથે સુંવાળા સંબંધો કેળવી વેપારીએ હાથ અધ્ધર કરી લીધા હતા. છેલ્લે વેપારીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવતીને તરછોડી દીધી હતી. આ અંગે યુવતીની ફરીયાદના આધારે વેપાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.