લીપ યરના લીપ દિવસે થયેલ આ અંગદાન ઐતિહાસિક – ડૉ.રાકેશ જોષી
અમદાવાદ
ચાર વર્ષે એક વર્ષ એવું આવે છે જેમાં ૩૬૫ નહીં પરંતુ ૩૬૬ દિવસ હોય.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ લીપ યરના લીપ દિવસે એટલે કે ૨૯ ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક ઘટના બની.એક જ દિવસમાં ફક્ત ચાર કલાકના સમયગાળામાં બે અંગદાન થયા.ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવવા આજીવિકા રળતા આ પરિવારોએ પોતાના બ્રેઇનડેડ સ્વજનનું અંગજાન કરીને માલેતુજાર વર્ગ પણ ન કરી શકે તેટલું મોટું દાન કરીને ભણતર કરતા ગણતર જ મહત્વપૂર્ણ છે તે સાબિત કર્યું.સિવિલ હોસ્પિટલમાં ૨૯ ફેબ્રુઆરી નાં રોજ થયેલ ૧૪૫ તેમજ ૧૪૬ માં અંગદાનની સમગ્ર વિગતો એવી છે કે, મૂળ મધ્યપ્રદેશ ના ધાર જીલ્લાનાં પીપલડા ગામના રહેવાસી રાહુલ ભંવર ગાંધીનગર કુડાસણ ખાતે પડી જતા માથાનાં ભાગે ગંભીર ઇજા થઇ. ઇજાઓ ગંભીર હતી જેથી પ્રથમ પ્રાઇવેટ હોસ્પીટલ અને ત્યારબાદ વધું સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામા આવ્યા.સારવાર દરમ્યાન ડૉક્ટરોએ તારીખ ૨૯.૦૨.૨૪ નાં રોજ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો ની ટીમ દ્વારા રાહુલ નાં પિતા અને અન્ય હાજર પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવતાં પિતા ફૂલસિંહ ભણેલા ન હોવા છતા ભણતર કરતાં ઘડતર જીવન માં વધારે અગત્ય નું છે એ વાત ને સાબિત કરી. અને પોતાનો વહાલસોયા દીકરો બ્રેઈન ડેડ હોવાથી ફરી સાજો થઈ શકશે નહી તે સમજી બીજા કોઈ ના દિકરા કે અન્ય સ્વજન ના જીવ બચાવવાના પરોપકાર ભાવ સાથે અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય લીધો હતો.બીજા કિસ્સા માં મહેમદાવાદ, ખંભાલી ગામે રહેતા પ્રતાપભાઇ સોલંકી પણ પડી જતા માથાનાં ભાગે ઇજા થઇ હતી. તેમને પ્રથમ ખાત્રજ ચોકડી પાસે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા.સારવાર દરમ્યાન ડોક્ટરો એ બ્રેઈન ડેડ જાહેર કરતાં પ્રતાપભાઇ ના પુત્ર અને મોટા ભાઇ એ તેમના અંગો નું દાન કરવાનો નિર્ણય લીધો હતો.
લીપ વર્ષ નાં દિવસની સંધ્યાએ માત્ર ચાર કલાકના સમયગાળાની અંદર બંને દર્દીના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી. જેના અંતે એક હ્રદય, ચાર કિડની અને બે લીવર મળી કુલ સાત અંગોના દાન મેળવવામાં સફળતા મળી.અંગદાનમાં મળેલા હ્રદયને યુ.એન મહેતા હોસ્પિટલમાં અને બે લીવર તથા ચાર કિડનીને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓમા સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , આજ નાં આ બંને અંગદાનના કિસ્સામાં બે ગરીબ અને ઓછું ભણેલા પરિવારોએ સમાજના લોકો માટે ભણતરની સાથે સાથે ગણતર પણ કેટલું મહત્વનું છે તેનું સચોટ ઉદાહરણ પુરું પાડ્યું છે.લીપ યરના લીપ દિવસે બનેલી આ ઘટના ઐતિહાસિક છે તેમ પણ ડૉ. જોષીએ જણાવ્યું હતું .