ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનો હવે વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ગાંધીનગર રેલવે સ્ટેશનને 4 ટ્રેન ફાળવવામા આવી છે. ગાંધીનગરથી ભૂજ ટ્રેન ફાળવ્યા પછી હવે ગાંધીનગરથી વેરાવળ સોમનાથ એક્સપ્રેસ સવાર સાંજ દોડશે. જ્યારે ગાંધીનગરથી જમ્મુતાવી ટ્રેન દોડશે. જેનાથી ગાંધીનગરમાં રહેતા નાગરીકોને ઉપયોગી થઇ શકશે.ગાંધીનગર શહેરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતેથી 9 ટ્રેન દિવસ દરમિયાન આવન જાવન કરતી હતી. જે સંખ્યામાં હવે વધારો થયો છે. બે દિવસમાં 4 ટ્રેન નવી ફાળવવામાં આવી છે. ત્યારે હવે દિવસ દરમિયાન 26 ટ્રેન આવન જવાન કરશે.
આગામી 6 માર્ચના રોજ ભૂજથી ગાંધીનગર સુધીની નવી ટ્રેન શરૂ થઇ રહી છે, ત્યારે ટ્રેનને બપોરે 5 કલાકે શહેરના ધારાસભ્ય, મેયર, ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને રેલવે સહાલકાર સમિતિના સભ્યોની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવવાના કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.હવે નવી વધુ 3 ટ્રેન ફાળવી છે, જે ટ્રેન પહેલા અમદાવાદથી દોડતી હતી. જેમાં ગાંધીનગર વેરાવળ (સોમનાથ એક્સપ્રેસ) રાત્રે 10 કલાકે દોડાવાશે.
જ્યારે ગાંધીનગર વેરાવળ ઇન્ટરસીટી સવારે 10 કલાકે દોડશે. તે ઉપરાંત ગાંધીનગરથી જમ્મુતાવી દોડાવવામાં આવશે. જોકે, આ ટ્રેનનો સમય હજુ સુધી નક્કી કરાયો નથી. તે ઉપરાંત ક્યા ક્યા સ્ટોપેજ આપવા તે પણ નક્કી થયુ નથી. મુસાફરોની માંગણીને આધારે સ્ટોપેજ આપવામાં આવશે. આગામી સમયમાં ગાંધીનગરથી અયોધ્યા સુધીની નવી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી પણ મુસાફરો દ્વારા માંગ કરાઇ રહી છે.