સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ પેનડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેના પગલે સરકાર હવે જાગી છે. સરકારે તમામ ખાતાઓના વડાને સૂચના આપી છે કે, કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તો પગલા લેવા. આ આદેશ સામાન્ય વહિવટ વિભાગે જાહેર કર્યા છે.
આંદોલન સંદર્ભે પગલા ભરવા તાકીદ કરાઇ છે. પોતાની કચેરીના કર્મચારીઓ કોઇપણ પ્રકારનો કાર્યક્રમ આપે તો નિયમોનુસાર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના વિવિધ સરકારી કર્મચારી મંડળો આંદોલન પ્રારંભ કરી રહ્યાં છે. તેમજ આવતીકાલે પેનડાઉન કાર્યક્રમની પણ જાહેરાત કરી છે. અત્રે જણાવીએ કે, જૂની પેન્શન યોજના, કરાર આધારિત ભરતીની નીતિ બંધ કરવાની માગ સહિતના મુદ્દાને લઈ પેન ડાઉન આંદોલન છેડાયું છે.
પેન ડાઉન કાર્યક્રમમાં શિક્ષણ સંઘના પરિપત્રમાં જણાવ્યું છે કે, 1. શાળાએ જઈ શિક્ષક હાજરીપત્રકમાં સહી કરશે. 2. બાળકોના હાજરીપત્રકમાં બાળકોની હાજરી પુરીશું. 3. પરંતુ બાળકો કે શિક્ષકોની હાજરી ઓનલાઈન પુરીશું નહી. 4. સીઆરસી/બીઆરસી મિત્રો લોકેશન ઉપર જઈશું પરંતુ કામગીરીથી અળગા રહીશું. 5. શાળામાં S.I આવે તો કોઈ માહિતી આપીશું નહી. 6.કોઈ તાલુકા કે જિલ્લ કચેરીમાં અધિકારી સાથે માહિતી આપે લે કરીશું નહી. 7. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીથી દૂર રહીશું. 8. શાળા કક્ષાએ બાળકોને લગતા કોઈ પ્રમાણપત્ર બનાવીશું નહી. 9.પેનડાઉન- એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. 10. ચોક ડાઉન એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. 11. સટડાઉન- લેપટોપ, કોમ્પ્યુટર સટડાઉન મોડમાં જ રાખીશું.