ગુજરાતનો એક એવો પરિવાર કે જે પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર સાથે સંપર્ક ધરાવે છે અને ગુજરાતમાં હેરોઈન સપ્લાયનો ધંધો કરી રહ્યું છે. આ પરિવારે ઓમાનથી ગુજરાતમાં હેરોઈન મગાવ્યું હતું અને બાદમાં તેને સપ્લાય પણ કર્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા હેરોઈન સપ્લાયમાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે.ગુજરાત એટીએસએ આમ તો અત્યાર સુધી માહિતીના આધારે દરિયાઈ સીમામાંથી અનેક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
વધુ એક વખત એટીએસ દ્વારા હેરોઈન સપ્લાયના આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનથી ઓમાનના દરિયા મારફતે વેરાવળ સુધી હેરોઈનનો જથ્થો આવેલો હતો અને જે દિલ્હી સુધી મોકલવામાં આવ્યો હતો. જે માહિતીના આધારે એટીએસ દ્વારા તપાસ કરતા એક આખો પરિવાર હેરોઈનની હેરાફેરીમાં સંકળાયેલો હોવાનો ખુલાસો થયો હતો.
આ માહિતીના આધારે એટીએસની ટીમે જામનગરના જોડીયા ખાતે રહેતા તાહિર ઈશા હુસેન,અરબાઝ ઈશા રાવ તેમજ રિઝવાન તૈયબની ધરપકડ કરી છે. સમગ્ર કેસમાં હજુ પણ છ લોકો ફરાર છે. જેમાં સાઉથ આફ્રિકા ફરાર થઈ ગયેલો ઇશા રાવ સમગ્ર ડ્રગ્સ માફિયાનો માસ્ટરમાઈન્ડ છે અને જેને પાકિસ્તાનના મૃતુજા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મગાવી તેને દિલ્હી સુધી પહોંચાડાવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિરોઈન સપ્લાય કેસનો માસ્ટરમાઈન્ડ આરોપી ઈશા રાવ અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં ફરાર છે અને તે પાકિસ્તાન માફિયાઓના સંપર્કમાં છે. માસ્ટરમાઈન્ડ ઈશા રાવે ડ્રગ્સ ઓમાનના દરિયામાંથી મંગાવી તેને વેરાવળ પહોંચાડ્યું હતું અને જે બાદ તે રાજસ્થાન સપ્લાય કરવામાં આવ્યું હતું. રાજસ્થાનથી આસિફ નામના વ્યક્તિએ દિલ્હીના તિલકનગરમાં સાઉથ આફ્રિકન વ્યક્તિને ડ્રગ્સનો જથ્થો પહોંચાડ્યો હતો. આ કામ માટે ઈશા રાવને 26.84 લાખ મળ્યા હતા. આ રકમ તેણે આંગડિયા પેઢીથી પોતાના પત્ની અને પરિવારને આપેલા હતા.
સમગ્ર કેસમાં ઈશા રાવ તેની દીકરી માસુમા,દિલ્હી ડ્રગ્સ લઈ જનાર આસિફ,ઓમાનથી ગુજરાત ડ્રગ્સ લઈ આવનાર બોટનો ટંડેલ ધર્મેન્દ્ર બોડ,પાકિસ્તાની ડ્રગ માફિયા અને નાઈજીરીયન યુવક હાલ ફરાર છે.એટીએસ ની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો હેમ મલ્લિકા 1ના ટંડેલ ધર્મેન્દ્ર ગોડ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ઇશા રાવના સાગરીતને આપેલો હતો. બાદમાં જથ્થો તબક્કા વાર દિલ્હી લઈ જવામાં આવ્યો હતો.
હાલ તો ATSએ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સંકળાયેલા પરિવારના બે સભ્યો સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય છ લોકો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે આ પરિવારમાં માતા,પિતા,પુત્ર,પુત્રી અને જમાઈ સંડોવાયેલા છે જેમાંથી પિતા ઈશા રાવ મુખ્ય આરોપી છે જે પોલીસ પકડ થી દુર છે.