ગાંધીનગર અડાલજ નર્મદા કેનાલના પત્ની સાથેના ઘર કંકાસથી કંટાળીને આપઘાત કરવાની તૈયારીઓ કરતા યુવકનો અડાલજ પોલીસની પીસીઆર વાનના કર્મચારીઓએ જીવનાં જોખમે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ મામલે અડાલજ પોલીસ દ્વારા યુવકના પરિવારજનોને જાણ કરી આગળની પૂછતાંછ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ઢાળ પરથી પગ લપસી જવાના કારણે કેટલાયે અપમૃત્યુના કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. કેનાલ બહારથી શાંત દેખાતા પાણીને નજીકથી જોવાની – અડવાની ઘેલછામાં કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો ઢાળ ઉતરી જતાં હોય છે. અને પગ લપસી જતાં કેનાલના ધસમસતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં હોય છે. ત્યારે ગાંધીનગરનાં અડાલજ – ઝૂંડાલ નર્મદા કેનાલમાં મોત વહાલું કરવા પહોંચેલા યુવકને અડાલજ પોલીસે જીવના જોખમે બચાવી લેવાયો છે.
આજે ઢળતી સાંજે કેનાલ વિસ્તારમાં અડાલજ પોલીસની 248 નંબરની પીસીઆરમાં કર્મચારીઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન અડાલજ ઝૂંડાલ નર્મદા કેનાલમાં નીચે ઉતરીને એક યુવક આપઘાત કરવાની તૈયારીઓ કરી રહ્યો હતો. આ દ્રશ્ય દૂરથી જોઈને પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓએ તુરંત ગાડીને કેનાલ તરફ દોડાવી મુકી હતી. બાદમાં યુવકને રોકાઈ જવા બૂમો પાડી હતી. પરંતુ યુવક પોલીસની બૂમોની અવગણના કરી કેનાલનાં પાણી જોડે બેસી અંદર ગરકાવ થવાની તૈયારી કરવા લાગ્યો હતો. આથી ક્ષણિક પોતાનો જીવનો વિચાર કર્યા વિના બે પોલીસ કર્મચારીઓ કેનાલનાં લપસણીયા ઢાળ ઉતરીને યુવક પાસે પહોંચી ગયા હતા. અને યુવકનો હાથ પકડીને કેનાલની બહાર લઈ આવ્યા હતા. આ અરસામાં યુવકને શોધતા શોધતા પરિવારજનો પણ કેનાલ દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કેનાલ લપસણીયા ઢાળ પરથી પગ લપસી ગયો હોત તો પોલીસ કર્મચારીઓ ઊંડા પાણીમાં ગરકાવ થવાની પૂરી શક્યતા રહેલી હતી. છતાં પોલીસે જીવના જોખમે યુવકને બચાવી લેવાયો છે. આ અંગે પીઆઈ એસ આર મુછાળે કહ્યું કે, અમારી પીસીઆરનાં વિજય બનવારી(બ. નં. 25) તેમજ દિપકકુમાર (બ. નં. 1919) ઉતર્યા હતા. પ્રાથમિક પૂછતાંછમાં યુવક અહીંના વિસ્તારનો જ રહેવાસી છે. પત્ની સાથે ઘર કંકાસનાં કારણે કંટાળીને કેનાલમાં આપઘાત કરવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં તેના પરિવારના સભ્યોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.