અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી નજીક એક વર્ષમાં ત્રીજી મોટી લૂંટની ઘટના સામે આવી છે. લીંબડી પોલીસ હજુ અગાઉના કેસ ઉકેલી નથી શકી એવામાં ગઈકાલે ફરી લીંબડી હાઈવે પર 69.86 લાખના મુદ્દામાલની ચોરી થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા પણ લીંબડી હાઈવે પર આઈશરમાંથી 1 કરોડના મુદ્દામાલની ચોરી થઈ હતી, તો ફેબેરુઆરીમાં એટીએમ ચોરી પણ આજ હાઈવે પાસે બની હતી.આ જોતા લીંબડી હાઈવે લૂંટ માટે હોટ-સ્પોટ બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી પોલીસ સ્ટેશન હદમાં જનશાળી પાટિયા નજીક ઈમિટેશન અને ચાંદીના માલના પાર્સલ લઈ જતી કુરિયર બોલેરો પીકઅપને બે કારમાં સવાર લૂંટારૂઓએ આંતરી રૂપિયા 69.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા છે.
પોલીસ ફરિયાદ અનુસાર, મંગળવારે રાત્રે નારોલની એચએલ કાર્ગો કંપનીની બોલેરો પીકઅપ ડાલુ GJ-01-HT-8251, જે ઈમિટેશન જ્વેલરી, તથા ચાંદીના પાર્સલો લઈ રાજકોટ જવા માટે નીકળ્યું હતુ, ગાડી અમદાવાદ રાજકોટ હાઈવે પર જશનાળી ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે બે કાર દ્વારા ડાલાને ટક્કર મારી તેને ઉભી રાખી આંતરી લેવામાં આવી. કારમાં સવાર સાત-આઠ લોકોએ કુરિયરની પીકઅપ ગાડીના ડ્રાઈવર અને ક્લિનરને બંદૂક જેવા હથિયાર અને ઢોર માર માર્યો અને ત્યારબાદ પીકઅપ ડાલુ લઈ ફરાર થઈ ગયા.
પોલીસ અનુસાર, ઘટનાની જાણ થતા જ લીંબડી પોલીસ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, લૂંટ અંગે તપાસ કરતા લૂંટની ઘટનાના સ્થળની 9 કિમી દૂર કાનપરા પાટિયા નજીક એમએમ પોલીમર્સ કંપનીના પાછળના ભાગે લૂંટવામાં આવેલ પીકઅપ ડાલુ મળી આવ્યું હતું. હાલમાં પોલીસે ફરિયાદના આધારે નજીકના સીસીટીવી સહિતની શોધ શરૂ કરી નાકાબંધી ગોઠવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.
ફરિયાદી અનુસાર, પાર્સલ લઈ જતા બોલેરો પીકઅપમાં 1,68, 54, 910 ની કિંમતના 73 પાર્સલ હતા, જેમાં ઈમિટેશન જ્વેલરી તથા ચાંદી સહિત 292 કિલોનો માલ હતો, જે રાજકોટ ડિલિવર કરવાનો હતો.
પોલીસ અનુસાર, લૂંટ કરવામાં આવેલ પાર્સલ ભરેલુ પીકઅપ ડાલુ 9 કિમી દૂર કાનપરા પાટિયા નજીક મળી આવ્યું છે. જેમાં ફરિયાદી અનુસાર, ઈમિટેશન જ્વેલરીના 4 પાર્સલ (22 કિલો) કિંમત 1,23,750 તથા ચાંદી ભરેલા 19 પાર્સલ (શુદ્ધ તથા મિશ્ર ચાંદી 107 કિલો) કિંમત 68,62, 408 મળી કુલ 69.86 લાખની લૂંટ થઈ છે.
ફેબ્રુઆરી-2023માં પણ લીંબડી હાઈવે પર આવી જ એક મોટી લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં ચાલુ આઈસરમાંથી 1.7 કરોડના માલની ચોરી કરી તસ્કરો રફૂચક્કર થઈ ગયા અને અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં લીંબડી રાજકોટ હાઈવે પર બોડિયા ગામ પાસે બાઈક સવારોએ આઈસરનું પાછળનું લોક ખોલી ટાટા સ્કાયનો સામાન, હેડફોન, પાવરબેંક, લેપટોપ, મોબાઈલ, પ્રિન્ટીંગના રોલ, ગડિયાળો, ટેબલેટ સહિતનો 1.7 કરોડનો માલ લૂંટી લીધો હતો.
આવી જ રીતે હમણાં જ ફેબ્રુઆરી-2024માં લીંબડી બસ સ્ટેશન પાસે એસબીઆઈનું એટીએમ તોડી 25,38,500 લૂંટ ચલાવવામાં આવી છે. ગેસકટરથી મોડીરાત્રે 3-4 કલાકે લૂટારૂઓએ એટીએમ તોડી લૂંટ ચલાવી હતી, પોલીસ પહોંચે તે પહેલા જ લૂટારૂ રફૂચક્કર થઈ ગયા હતા, અને હજુ પણ પોલીસ તેમની ભાળ મેળવવા મથામણ કરી રહી છે. પોલીસ અનુસાર, હરિયાણાની ગેંગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે, જે જગ્યાએ એટીએમ ખાલી કરી લૂટારૂ ફરાર થઈ ગયા હતા, એજ જગ્યા છે આ જનશાળી જ્યાં મંગળવારે રાત્રે ઈમિટેશન જ્વેલરી અને ચાંદીની લૂંટ થઈ છે. આ પહેલા પણ બોડીયા ગામ પાસે ચાર-પાંચની ટોળકીએ એક વ્યક્તિને માર મારી લૂંટ ચલાવી હતી, આ સિવાય અનેક વખત ટ્રક ચાલકો પણ આ હાઈવે પર લૂંટનો ભોગ બન્યા છે. આ બધી ઘટનાઓને જોતા લૂટારૂ ટોળકી લીંબડી હાઈવે પર લૂંટ ચલાવી લીંબડી પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા જે પોલીસ માટે પડકારજનક.