માણસાના વાવ દરવાજા બહાર મકવાણા વાસમાં પૂર્વ બાતમીના આધારે માણસા પોલીસે દરોડો પાડી 28 હજાર 470 ની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો જથ્થો ઝડપી પાડી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માણસા પોલીસ મથકના પીએસઆઇ એમ એ વાઘેલા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશને હાજર હતો. એ વખતે બાતમી મળી હતી કે, માણસા વાવદરવાજા બહાર મકવાણા વાસમાં રહેતો ભગાજી બાદરજી ઠાકોર પોતાના ઘર તેમજ ઘરની સામે બનાવેલ કાચા છાપરામા ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો રાખી વેચવાની પ્રવ્રુત્તી કરે છે.
જે હકીકતના આધારે પોલીસે ખાનગી વાહનમાં બેસીને બાતમી વાળા ઘરે રેડ કરી હતી. પરંતુ ઘરે કોઈ હાજર ન હતું. જો કે બાતમી પાક્કી હોવાથી પોલીસે ઘરની તલાશી લેતાં એક પ્લાસ્ટિકની કોથળીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં ઘરની સામેના કાચા છાપરાંમાં પણ પોલીસે તલાશી લીધી હતી. પરંતુ વિદેશી દારૃ મળ્યો ન હતો.
જો કે પોલીસને ચોક્ક્સ બાતમી મળેલી કે બુટલેગર કાચા છાપરામાં પણ દારૂનો જથ્થો સંતાડી રાખતો હોય છે. જેનાં પગલે પોલીસે લોખંડના સળિયા વડે છાપરાંની અંદર જમીનમાં તપાસ શરૂ કરી હતી. ત્યારે જમીનમાં પ્લાસ્ટિકના ત્રણ પીપ દાટેલા મળી આવ્યા હતા. જે પીપમાંથી પણ વિદેશી દારૃ – બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેની વિગતવાર ગણતરી કરતા 28 હજાર 470 ની કિંમતનો દારૃ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે વોન્ટેડ બુટલેગર ભગાજી બાદરજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.