ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર ૧ ખાતે ભવ્યાતિભવ્ય ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમનો પ્લોટ મનમંદિર ફાઉન્ડેશનને ભેટ સ્વરૂપે આપેલ હતો જ્યાં ભવ્ય ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું નિર્માણ થશે.
‘નાદ બ્રહ્મ‘કલા કેન્દ્ર અદ્યતન સુવિધાઓથી સુસજ્જ હશે જેમાં ૨૦૦ વ્યક્તિની ક્ષમતા સાથેનું થિયેટર, ૨ બ્લેક બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા ૧૨ થી વધુ બહુઉદ્દેશીય વર્ગ, અભ્યાસ અને સાધના માટે ૫ પર્ફોર્મિંગ સ્ટુડિયો, ૧ ઓપન થીયેટર, દિવ્યાંગો માટે વિશેષ સેન્સોરિયલ ગાર્ડન, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક લાયબ્રેરી, સંગીત ઇતિહાસને પ્રદર્શિત કરતું સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આગામી સમયમાં ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્ર સંગીત કલા ક્ષેત્રની ગતિવિધિ માટેનું વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત કેફેટેરિયા અને ફાઈનડાઈન રેસ્ટોરન્ટ પણ કેમ્પસમાં કાર્યરત રહેશે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જશવંત પટેલ, મનમંદિર ફાઉન્ડેશનના અગ્રણીશ્રીઓ, કલા રસિકો, શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.