કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. વાત જાણે એમ છે કે, યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેંગલુરુના સદાશિવનગરમાં પોલીસે 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીર છોકરી પર 2 ફેબ્રુઆરીએ કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
એવો આરોપ છે કે, સગીર છોકરીનું કથિત રીતે યૌન શોષણ થયું હતું જ્યારે તે છેતરપિંડીના કેસમાં મદદ લેવા યેદિયુરપ્પાને મળવા ગઈ હતી.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ કથિત રીતે સગીર છોકરીને એક રૂમમાં ખેંચી અને પછી તેનું યૌન શોષણ કર્યું. છોકરી કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી અને બાદમાં તેની માતાને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું.
આ મામલે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે, એક મહિલાએ અમારા પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રીની છેડતી કરવામાં આવી છે. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યાં સુધી આપણે સત્ય જાણતા નથી ત્યાં સુધી આપણે કશું કહી શકતા નથી. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે કારણ કે તેમાં એક પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસના રિપોર્ટની રાહ જોવી જોઈએ.
મંત્રીએ આ મામલે કોઈ રાજકીય એન્ગલનો ઈન્કાર કર્યો અને કહ્યું કે મને નથી લાગતું કે, તેમાં કોઈ રાજકીય એન્ગલ છે. અમે મહિલાને ઓળખતા નથી. તેણીએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેનો ઇનકાર કર્યો ન હતો અને કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે જોકે યેદિયુરપ્પાની ઓફિસે આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ઓફિસે ભૂતકાળમાં ફરિયાદી દ્વારા દાખલ કરાયેલા કેસોની યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં 53 અલગ-અલગ ફરિયાદો છે.