પાકિસ્તાનમાં 16 માર્ચે તાલિબાન હુમલાનો મુદ્દો અને ત્યારપછી પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાનો મુદ્દો ચર્ચાનો વિષય છે. જેના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મિત્રતામાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે આ મામલે વધુ વેગ આપ્યો છે. શાહબાઝ શરીફે નિવેદન આપ્યું છે કે તેઓ સરહદ પારથી તેમના વિસ્તારમાં કોઈપણ આતંકવાદને સહન કરશે નહીં, પછી ભલે ગમે તે પરિસ્થિતિ હોય.
શાહબાઝ શરીફે આજે પાકિસ્તાન કેબિનેટની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. મીટિંગની શરૂઆત પહેલા, તેમણે ઉત્તર વઝીરિસ્તાન હુમલા (પાકિસ્તાન સેના પર તાલિબાન હુમલો)માં શહીદ થયેલા 7 સૈનિકો માટે પ્રાર્થના કરી. આ પછી વડાપ્રધાને કહ્યું કે આ આતંકવાદને કારણે તેમના દેશના હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે કમનસીબે આતંકવાદે ફરી માથું ઊંચક્યું છે. આટલા બલિદાન અને સંસાધનોના ખર્ચ છતાં, પાકિસ્તાની સેના આતંકવાદને ખતમ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે. શાહબાઝ શરીફે કહ્યું કે હવે તેઓ આ આતંકવાદને સહન કરી શકતા નથી. પાકિસ્તાનની સરહદો આતંકવાદ સામે લાલ રેખા છે, જેને ક્રોસ કરવી ખતરનાક હશે.
શાહબાઝે કહ્યું કે પાકિસ્તાન તેના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા માંગે છે. પાકિસ્તાન તેમની સાથે વેપાર-વાણિજ્ય સહિતના સંબંધો વધારવા માંગે છે પરંતુ જો કોઈ પાડોશી દેશની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે થશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં. ભારતનું નામ લીધા વિના પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે તેમણે પડોશી દેશોને આ આતંકવાદને ખતમ કરવાની યોજના પર સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે આપણો પાડોશી દેશ તેમના આમંત્રણ પર વિચાર કરશે.