લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો છે. આ વખતે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) તરીકે તહેનાત અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરાયો છે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં DM અને SPની પોસ્ટ અનુક્રમે ભારતીય વહીવટી અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ માટે છે.
આટલું જ નહીં ચૂંટણી પંચે આસામ અને પંજાબમાં નેતાઓના સંબંધી એવા IPS અધિકારીઓની પણ બદલી કરી છે.
કેન્દ્રીયઆ ચૂંટણી પંચે આ અંગે આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર પંજાબના ભટિંડાના SSP અને આસામના સોનિતપુરના SPની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, નેતાઓના સંબંધીઓના અધિકારીઓ ચૂંટણીના કામમાં સીધા સંકળાયેલા છે. જે અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ગુજરાતના છોટા ઉદેપુર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના SPનો સમાવેશ થાય છે.
પંજાબના પઠાણકોટ, ફાઝિલ્કા, જાલંધર ગ્રામીણ અને માલેરકોટલા જિલ્લાના SSP પણ સામેલ છે. ઢેંકનાલના DM અને ઓડિશાના દેવગઢ અને કટક ગ્રામીણના SP અને પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વ બર્ધમાન અને બીરભૂમ જિલ્લાના DM પણ આમાં સામેલ છે. આ સિવાય ચૂંટણી પંચે પંજાબમાં SSPભટિંડા અને આસામમાં SP સોનિતપુરની બદલી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આગાઉ ચૂંટણી પંચે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલના ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવી દેવાયા હતા. આ ઉપરાતં મિઝોરમ-હિમાચલમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવાયા હતા.