નાણાંકિય વર્ષ 2023-24ને પૂર્ણ થવામાં આંગળીને વેઢે
ગણાય તેટલાં જ દિવસો બાકી છે. ત્યારે નાણાંકિય વર્ષ
દરમિયાન થયેલાં કાર્યોના ચૂકવણાં અને સરકાર તરફથી
મળેલ ગ્રાન્ટના હિસાબો કરી દેવા અર્થે મોટાં ભાગની સરકારી
કચેરીઓમાં કર્મચારીઓ ઓવર ટાઈમ કરતાં જોવાં મળ્યાં
છે, યોજના વિભાગની વડી કચેરીના સત્તાધીશો દ્વારા
સત્વરે હિસાબો પૂર્ણ કરવા માટેના આદેશ કરવામાં આવ્યાં
હોવાથી કર્મચારીઓને રજાના દિવસે પણ ઓફિસે હાજર
રહેવાનું ફરમાન થતાં બાકી કાર્યો પૂરા કરવા માટે કચેરી ચાલું
રાખવામાં આવી હતી.
માર્ચ માસમાં મોટાં ભાગની સરકારી કચેરીઓમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું જોવાં મળે છે. આગામી રવિવારને 31 માર્ચના રોજ બેંક પણ શરૂ હોવાથી બાકી રહેલ બિલો અને હિસાબો સત્વરે પૂર્ણ કરી દેવા માટે તંત્રના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને જણાવવામાં આવેલ છે. સરકાર તરફથી મળેલ ગ્રાન્ટનો વપરાશ ના થાય તેવા કિસ્સામાં ગ્રાન્ટ પરત કરવાની હોય છે. જેથી કરીને કરેલ વિકાસના કાર્યોના બાકી ચૂકવણાં પણ ચૂકવી દેવા માટે તંત્રે કામગીરી હાથ ધરી છે. પાટનગર યોજના વિભાગના ક્લાર્ક થી લઈને સેક્શન ઓફિસર સુધીના કર્મચારીઓ ઓવર ટાઈમ કરતાં જોવાં મળ્યાં છે. કેટલાંક કિસ્સામાં કર્મચારીઓને મોડી રાત સુધી પણ કામ કરવાની જરૂરીયાત ઉપસ્થિત છે.