લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે પાટણમાં ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાટણમાં ક્ષત્રિય ઠાકોરને મેદાને ઉતાર્યા છે. હવે પાટણ લોકસભા ચૂંટણી માટે બરાબરનો જંગ જામ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, તેઓ આજે ઊંદરા ગામે પ્રચાર માટે પહોંચ્યા હતા. ઊંદરા ગામે ચંદનજી ઠાકોરે ગ્રામજનો સાથે એક બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેર ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના માથા પરથી પાઘડી ઉતારીને મતદારો તેમજ સમાજ સામે ધરી દીધી હતી. ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારીને મતદારોને કહ્યું હતું કે આ વખતે પાઘડીની લાજ તમારા હાથમાં છૅ. જવા ન દેતા કહી ભાવુક બન્યા હતા. આ સાથે જ ચંદનજી ઠાકોરે સ્થાનિક સમસ્યાઓ વિશે વાત કરી હતી.
અગાઉ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડીશું. વિકાસ અને રોજગારી સહિત ખેડૂતો અને રેલવે સહિત અનેક મુદ્દાઓ છે જેના થકી પાટણને અન્યાય કરવામાં આવતો હોવાની વાત કરી હતી. સિદ્ધપુરમાં 43 ટ્રેન ચાલે છે અને એક પણ ટ્રેનનો સ્ટોપેજ નથી. આવા અનેક મુદ્દાઓ છે. જે મુદ્દાઓ પર ચૂંટણી લડીશ.
ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા. લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર વ્યવસાયે ખેતી અને બિલ્ડર છે. આ સાથે તેમની ધર્મ પત્નિ પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે મતદારો કોને મત આપી વિજેતા બનાવે છે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે.