પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ પ્રશાસન ભૂકંપ સંબંધિત માહિતી એકત્ર કરી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. રવિવારે સવારે ઉત્તરી પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર તેનું એપી સેન્ટર અંબુટી ક્ષેત્રથી 32 કિ.મી દૂર હતું.
આ ભૂકંપમાં હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપ સામાન્ય છે, કારણ કે આ વિસ્તાર રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. જ્યાં સામાન્ય રીતે ભૂકંપ આવે છે. આ જગ્યાએ ટેક્ટોનિક પ્લેટોની સ્થિતિ બદલાતી રહે છે. ગત વર્ષે અહીં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 7 માપવામાં આવી હતી અને 7 લોકોનાં મોત થયા હતા.
આ પહેલા 22 માર્ચે ઈન્ડોનેશિયાના જાવા આઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે શુક્રવારે ઈન્ડોનેશિયાના જાવા આઈલેન્ડ નજીક 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજધાની જકાર્તામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા તીવ્ર હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.
ભૂકંપનું કેન્દ્ર બાવન ટાપુ નજીક જાવા ટાપુના ઉત્તરી કિનારે નોંધાયું હતું. ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલા આ ભૂકંપમાં કોઈનાં મોત કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી. સ્થાનિક સત્તાવાળાઓએ ભૂકંપ પછી સુનામી અંગે કોઈ ચેતવણી જારી કરી નથી, આ ભૂકંપની તીવ્રતા પૂર્વ જાવા પ્રાંતમાં સૌથી વધુ અનુભવાઈ હતી.