ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સહ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે થલતેજ સ્થિત ગાંધીનગર લોકસભા ચુંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ધુળેટીના પર્વ નિમિત્તે રંગોત્સવની ઉજવણી કરી હતી. શ્રી અમિતભાઈ શાહે રંગ અને હર્ષોલ્લાસનો મહાપર્વ ધુળેટી સૌના જીવનમાં સમૃદ્ધિ અને સદભાવનો રંગ પ્રસરાવે તેમજ નવી ઊર્જાના સંચારનું માધ્યમ બને તેવી લાગણી સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકો, ભારતીય જનતા પાર્ટીના દેશભરના કાર્યકર્તાઓ સહિત સમસ્ત દેશવાસીઓને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આ વર્ષની હોળી સમગ્ર વિશ્વમાં વસતા રામ ભકતો માટે વિશેષ છે, આપણે વર્ષોથી ગીત સાંભળતા આવ્યા છીએ કે, હોલી ખેલે રઘુબીરા અવધ મે…અને આજે ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પ્રભુ શ્રી રામ અયોધ્યા નગરીમાં ભવ્યાતિભવ્ય રીતે બિરાજમાન થયા છે. હોળીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે, પ્રહલાદને ઈશ્વરે બચાવ્યા એના બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવાય છે.
હોળી સમાનતાનો તહેવાર છે જેમાં પ્રત્યેક વ્યક્તિ સમાન રંગમાં રંગાયેલા જોવા મળે છે, હોળી ખેડૂતો માટે પણ મહત્વનો દિવસ છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી અમિતભાઈ શાહ અતિ વ્યસ્તતા વચ્ચે પણ કાર્યકર્તાઓ સાથે રંગોત્સવ ઉજવવા માટે આજે સંસદીય ક્ષેત્રમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આજે તહેવારના દિવસે સૌ કાર્યકર્તાઓને શ્રી અમિતભાઈ શાહને મહત્તમ મતદાન થકી વિક્રમી સરસાઇથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. તેઓએ ઉપસ્થિત સૌને ધુળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે લોકસભા ક્લસ્ટર પ્રભારી કે. સી. પટેલ, રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક, ધારાસભ્યો, અગ્રણીશ્રીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.