પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને NDPS અંતર્ગત 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સાથે જ રૂ.2 લાખનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. દંડ નહીં ભરવાના સંજોગોમાં એક વર્ષ સાદી જેલ, જ્યારે કુલ 11 કલમો અંતર્ગત સજાઓ ફટકારવામાં આવી છે. એક ગુનાની સજા પૂર્ણ થતા અન્ય ગુનાની સજા ભોગવવા હુકમ કરાયો છે. સાથે જ જે તે જેલમાં સંજીવ ભટ્ટને પરત મોકલાશે.સંજીવ ભટ્ટના વકીલે આરોપીને પાલનપુર જેલમાં રાખવા અપીલ કરી હતી.
પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં સીધા જ પાલનપુરના સેસન્સ કોર્ટમાં શ્રી જે.એન.ઠક્કર બીજા એડીશનલ ડિસ્ટિકટ એન્ડ સેન્સ જજની કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યારે આજે સજા સંભળાવવામાં આવી છે.
નોંધનીય છે કે, સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. આ મામલે 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી.
30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.