લોકસભા કે વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થાય છે. જેમાંથી ઘણાને ભાજપ દ્વારા ટિકિટ કે પદની ઓફર કરવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ભાજપમાં મૂળ કોંગ્રેસીઓ સારા હોદ્દા પર છે.જેને લઈ ભાજપના પાયાના કાર્યકરો અને સંનિષ્ઠ નેતાઓમાં પણ કચવાટ છે, પણ તેઓ કશું બોલી શકે તેમ નથી.
આ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક અખબારને જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યા હતા. 4 વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે. રાજ્યમાં કોંગ્રેસના 60 હજાર કાર્યકરો ભાજપમાં ભળ્યાં છે. જેમાં 300 નાના મોટા હોદ્દેદારો, નેતાઓ છે અને આનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે અને કોંગ્રેસને બૂથ માટે પણ કાર્યકર ન મળે તેવી સ્થિતિ થઈ છે.