બેંગલુરુમાં એક એન્જિનિયરે ઓછામાં ઓછા 24 લેપટોપની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 26 વર્ષી એક એન્જિનિયરે પીજીમાંથી લગભગ 10 લાખ રૂપિયાના લેપટોપ ચોરી લીધા હતા. આરોપીનું નામ જસ્સી અગ્રવાલ જણાવવામાં આવ્યું છે. નોઈડાની રહેવાશી જસ્સી નોકરી માટે બેંગલુરુ આવી હતી. તેણે કોરોના દરમિયાન નોકરી ગુમાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, તેણીએ નોકરી છોડ્યા પછી જ ચોરી કરવા લાગી હતી.
પોલીસે જણાવ્યું કે આરોપી મહિલા પીજીમાંથી મોંઘા ગેજેટ્સ ચોરી કરી લેતી અને પછી તેને નોઈડા જઈને બ્લેક માર્કેટમાં વેચતી. મળતી માહિતી મુજબ, જ્યારે કોઈ ન હોય ત્યારે જસ્સી કોઈના રૂમમાં ઘૂસી જતી અને તે કોઈનું પણ લેપટોપ ઉપાડી લેતી. જ્યારે પીજીમાં મોંઘા લેપટોપ ચોરાવાની ઘટનાઓ વારંવાર બનવા લાગી ત્યારે પીજી માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરી તો જસ્સી જ આ કામ કરતી હોવાનું જાણવા મળ્યું. પોલીસે જસ્સી પાસેથી 24 લેપટોપ જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું કે, જસ્સી ઘણી જગ્યાએ જઈને આવા કામો કરતી હતી. પોલીસે ઘણા સીસીટીવી ફૂટેજ નીકાળ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે, તે પીજીમાં ઘૂસી જતી હતી અને પછી સાથે ગેજેટ લઈને બહાર આવે છે.
જસ્સી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. 26 માર્ચના રોજ પીજીમાં રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા લેપટોપની કિંમત 10થી 15 લાખ રૂપિયા છે. આ સિવાય તે ઘણા ગેજેટ્સ પણ વેચી ચુકી છે. મળતી માહિતી મુજબ, જસ્સીએ 2020માં જ ચોરીની શરૂઆત કરી હતી. પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે, જસ્સી કોઈ ગેંગ સાથે જોડાયેલી છે કે કેમ.