કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ અભદ્ર ટીપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે આજે પાટીદાર સમાજ દ્વારા બાઈક-કારની મહા રેલી યોજી કલેકટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને કાર્યવાહી નહિ કરાય તો પાટીદાર મહાસંમેલન બોલાવવાની તેમજ મોરબી-બંધ અને ગુજરાત બંધ સુધીના આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પાટીદાર સમાજના અગ્રણીઓ, સંસ્થાઓ, એસોના આગેવાનો અને ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓએ આજે નવા બસ સ્ટેન્ડથી મહા રેલી યોજી હતી જે બાઈક અને કાર રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી પહોંચી હતી જ્યાં કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જે રેલી અને આવેદન અંગે પાટીદાર સમાજ અગ્રણી પોપટ કગથરાએ જણાવ્યું હતું કે કાજલ હિન્દુતાનીએ પાટીદાર દીકરીઓ વિશે અભદ્ર ટીપ્પણી કરી હોય જેથી આવેદન આપવા આવ્યા હતા.
તેમજ એસપીને પણ મળ્યા હતા જેને ઝીરો નંબરથી ફરિયાદ લેવા નહિ પરંતુ અરજી સુરત મોકલી હોવાનું જણાવ્યું હતું જેના ઠાલા વચનોથી પાટીદાર સમાજ નારાજ છે અને સંતોષ થયો નથી જેથી 48 કલાકમાં અરજી પરથી એફઆઈઆર દાખલ ના થાય તો મહા પાટીદાર સંમેલન બોલાવશે જેની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું.પાટીદાર અગ્રણી ટી ડી પટેલે જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ જે ટીપ્પણી કરી છે તેની સામે અગાઉ માફીની માંગ કરી હતી કે માફી માંગી લો અને આવો કોઈ બનાવ બન્યો નથી તેવું સ્વીકારી લો પરંતુ તેઓએ માફી માંગી નથી.
જેથી આજે પાટીદાર સમાજ અને સંસ્થાઓએ મહા રેલી યોજી કલેકટરને આવેદન આપ્યું છે સમાજની શાંતિ ડહોળનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે અન્યથા આ માત્ર ટ્રેલર હતું પિક્ચર અભી બાકી હે સમગ્ર ગુજરાતના પાટીદારોને એકત્ર કરશું અને મોરબી બંધ તેમજ ગુજરાત બંધ સુધીનું એલાન કરાશે તેમ જણાવ્યું હતુંરેલી અને આવેદન અંગે જીલ્લા કલેકટર કે બી ઝવેરીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજે રેલી યોજી આવેદન આપ્યું જેમાં પાટીદાર દીકરીઓ પર ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી. જે અંગે એસપીને કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવશે અને વિના વિલંબે કાર્યવાહી થાય તેની કાળજી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.