હાલ ચાલી રહેલા વિવાદમાં ગુજરાત ભડકે બળવાની શક્યતા છે. ત્યારે ક્ષત્રિયો પર રૂપાલાના વિવાદિત નિવેદન મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપની ક્ષત્રિય વિરોધી માનસિકતા છે. આવી વિવાદિત ટીપ્પણી ભાજપને શોભે નહીં. ભાજપમાં પહેલા આવું કલ્ચર નહોતું. મહિલાઓ પર આવી ટીપ્પણી કરવી અયોગ્ય છે. સતત વિરોધ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આ ક્ષત્રિય vs પટેલની લડાઈ નથી. કોંગ્રેસ, ભાજપ કે પટેલની લડાઈ નથી. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદન પર ગુજરાત સળગ્યું છે. તેમના એક નિવેદન પર ચૂંટણી પહેલા ધમાસાન મચ્યું છે. ત્યારે આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીની શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો છે. વાઘેલાએ ક્ષત્રિય સમાજની માંગને સમર્થન આપ્યું છે. જેમાં તેઓ રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ કરી રહ્યાં છે. વાઘેલાએ આ મુદ્દે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પર પણ ટિપ્પણી કરી છે. ક્ષત્રિય સમાજના વિવાદમાં હવે શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે. તેમણે કહ્યું કે, જો ભાજપ ક્ષત્રિય સમાજની માંગ નહિ માને તો સ્થિત વધુ ખરાબ થશે. કોઈ પણ સમાજનું અપમાન કરવું યોગ્ય નથી. જો ઉમેદવાર નહિ બદલાય તો રૂપાલાનું નિવેદન એ ભાજપનું સમર્થન ગણવામાં આવશે. શંકરસિંહે વધુમાં કહ્યું કે, જો રાજકોટથી ઉમેદવાર બદલવાની માંગ નહિ માનવામાં આવે તો તેનો મતલબ એ થશે કે ભાજપ હાઈકમાન્ડ સહમત છે. પ્રધાનમંત્રી સહમત છે, પાર્ટીના અધ્યક્ષ સહમત અને ગૃહમંત્રી બદનામી કરવા માટે સહમત છે. કેટલાક નેતાઓની તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, રાજનીતિ આવી રીતે ન થવી જોઈએ કે તમારે સ્વમાન ગિરવી રાખવું પડે. જો તમે રૂપાલાને રાજ્યસભા લઈ જશો તો અમને કોઈ વાંધો નથી. પંરતુ સમાજની અસ્મિત અને લાગણીઓને ઠેસ પહોંચે, તે નહિ ચાલે. જો ભાજપ બે બેઠક પર ઉમેદવાર બદલી શકે છે તો રૂપાલાને કેમ બદલી શક્તા નથી. તેમણે આગળ કહ્યું કે, મારી બહેનો અને દીકરીઓને પરેશાન ન કરો, આ મુદ્દો ગુજરાતને ભડકે બાળશે. તેમણે વિરોધ પ્રદર્શનીઓનો હવાલો આપતા કહ્યું કે, જો જલ્દી નિર્ણય લેવામાં નહિ આવે તો ચિન્ગારી ફેલાશે, અને પછી કંઈ નહિ થાય.