રાજકોટ લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો છે. બુધવારે ભાજપના આગેવાનો સાથેની બેઠકમાં સમાધાન ના થયા બાદ ક્ષત્રિય સમાજે રુપાલાની ટિકિટ રદ થાય તો જ સમાધાન તેવો સૂર વ્યકત કર્યા બાદ ઠેર ઠેર રુપાલાનો વિરોધ શરુ થયો હતો.
હવે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રુપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં હેશટેગ અભિયાન શરુ થયું છો તો બીજી તરફ પરશોત્તમ રૂપાલાના પડખે પાટીદાર સમાજ બેઠક કરે તેવા મેસેજ વાયરલ થયો હતો. જો કે તમામ પાટીદાર આગેવાનોનો સંપર્ક કરતાં સત્તાવાર રીતે બેઠકને હજુ સમર્થન મળ્યું ન હતું.
પરશોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટના રાજકારણ નવો વળાંક પણ જોવા મળ્યો છે જેમાં ક્ષત્રિયોના સતત વિરોધ વચ્ચે પાટીદાર સમાજની બેઠક હોવાની અફવા ઉડી હતી. પરશોત્તમ રૂપાલાના પડખે પાટીદાર સમાજ બેઠક કરે તેવા મેસેજ વાયરલ થતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. જો કે આ મેસેજને ચકાસવા માટે તમામ પાટીદાર આગેવાનોનો સંપર્ક કર્યો હતો પણ એક પણ પાટીદાર આગેવાને આ બેઠકને સમર્થન આપ્યું ન હતું.
ત્યારે સવાલ થઇ રહ્યો છે કે ચૂંટણી ટાણે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે ? પાટીદારોની બેઠકના નામે મેસેજ વાયરલ થયો છે પણ તમામ પાટીદાર અગ્રણીઓ હજુ પણ અજાણ છે. સત્તાવાર રીતે બેઠકને હજુ સમર્થન મળ્યું નથી ત્યારે જ્ઞાતિ વિગ્રહ ફેલાવવા કેટલાક તત્વો સક્રિય છે ? તેવો સવાલ ઉભો થયો છે.
આ સાથે રૂપાલા વિવાદમાં પાટીદાર આગેવાન લલિત વસોયાનું નિવેદન પણ આવ્યું છે. તેમણે ફેસબુક પર વીડિયો દ્વારા નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નથી. ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે. બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કેટલાંકનો પ્રયાસ હોવાનું લલિત વસોયાએ જણાવ્યું હતું.
રાજકોટના રાજકારણમાં જોરદાર ઘમાસાણની સ્થિતિ જોવા મળી રહી છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં હેશટેગ અભિયાન શરુ થયું છે. સોશિયલ મીડિયામાં #Rupala4Rajkot હેશટેગથી અભિયાન શરું થયું છે અને રુપાલાને સમર્થન આપવાનું શરુ થયું છે. રૂપાલાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં અભિયાન ચાલુ કર્યું છે. સોશિયલ મીડિયામાં હકારાત્મક માહોલ બનાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે.
આ સાથે રાજકોટ શહેરમાં અલગ અલગ બે દ્રશ્ય જોવા મળ્યા છે. એક તરફ બોયકટ પરસોતમ રૂપાલાના પોસ્ટર લાગ્યા હતા તો રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પરસોતમ રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોની તાજેતરમાં મીટીંગ મળી હતી આ મિટિંગમાં પરસોતમ રૂપાલા ને સમર્થન આપવાની વાત કરી હતી. આ વિસ્તારમાં ૮૦ ટકા જેટલા લોકો પાટીદાર છે.