દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, આર.સી. ફળદુ, હકુભા જાડેજા, સહિતના નેતાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરોએ ધસી આવી રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા.
આજરોજ સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો, નગરનો જોડાયા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને ખુલ્લું મૂકવા પ્રદેશ પ્રમુખ પાટીલ આવ્યા અને તેમણે લોકાર્પણવિધિ કરી અને ત્યાર બાદ ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા. તે દરમિયાન ક્ષત્રિય સમાજના કાર્યકરો કાળા વાવટા સાથે ધસી આવ્યા હતા. સેંકડોની સંખ્યામાં અહીં આવેલા કાર્યકરોએ હલ્લાબોલ જેવો માહોલ સર્જી દીધો હતો.
સવારે આશરે 11 વાગ્યાના સમયે આ વિશાળ અને ભવ્ય કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવીને ક્ષત્રિય યુવાનોએ “રૂપાલા હાય હાય” ના નારા લગાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાથે એલસીબી, એસ.ઓ.જી., સહિતના પોલીસ સ્ટાફની ટીમે પરિસ્થિતિ પારખીને વિરોધ વ્યક્ત કરતા કાર્યકરોને આ સ્થળેથી દૂર ખસેડ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
જિલ્લા ભાજપના મહત્ત્વના એવા આ કાર્યક્રમ દરમિયાન રૂપાલાના ભૂતકાળના કથનનો વિરોધ વ્યક્ત કરતો કાર્યક્રમ થતા થોડો સમય ભારે દોડધામ મચી જવા પામી હતી. મહત્ત્વની બાબત તો એ છે કે, આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો-કાર્યકરો કાળા વાવટા લઈને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી જતા આ બાબતે પણ ભારે ચર્ચા જાગી છે.