કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2019ને સંસદમાં મંજૂરી મળ્યાં બાદ હવે સરકાર તેને લાગુ કરવાની તૈયારી કરી રહી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2019 સંસદના બંને સદનોમાં પાસ થવા અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યાં બાદ એક્ટ બની ગયું છે. કન્ઝ્યૂમર અફેર સચિવ અવિનાશ શ્રીવાસ્તવે જણાવ્યું કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં આ નિયમ બનાવવાનું કામ કરવામાં આવશે. 3 મહિનામાં તમામ નિયમો તૈયાર થઇ જશે. નવા બિલમાં ગ્રાહકોને વકીલ વિના કેસ લડવાનો અધિકાર મળ્યો છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને અનેક અધિકાર આપવામાં આવ્યાં છે. તેનાથી ગ્રાહકોની અનેક પરેશાનીઓ દૂર થશે. CCPAમાં ઇન્વેસ્ટિગેશન વિંગ પણ હશે. CCPAમાંથી સરકાર કંપનીઓ પર કાર્યવાહી કરશે. ઇન્વેસ્ટિગેશન વિંગના હેડ ડીજી હશે, જ્યારે એડિશનલ ડીજી સહિત અનેક અધિકારી આ વિંગમાં સામેલ થશે. સીસીપીએ પોતે જ વિગતો લઇ શકે છે. સીસીપીએ ભ્રામક પ્રચાર પર રોક લગાવા માટે પણ કામ કરશે.
હવે જિલ્લામાં 1 કરોડ રૂપિયા સુધીની ફરિયાદ અને રાજ્ય સ્તર પર 10 કરોડ રૂપિયાની ફરિયાદ કરી શકે છે. પહેલાં વકીલ રાખવો પડતો હતો પરંતુ હવે વકીલ વિના પણ તમે કેસ લડી શકો છો.
હવે જાહેરાતોમાં ખોટા દાવા અથવા ખોટી જાણકારી આપવા પર કંપની, સર્વિસ પ્રોવાઇડર્સ અને જાહેરાતને એન્ડોર્સ કરનાર સેલેબ્રિટીને પણ સજા થઇ શકે છે. આ બાબતે દોષી ઠરનારને જેલ અથવા દંડની સજા થઇ શકે છે. આ બિલમાં જોગવાઇ છે કે કોઇપણ જાહેરાત પછી તે પ્રિંટ, રેડિયો, ટેલીવિઝન, આઉટડોર, ઇ-કોમર્સ, ડાયરેક્ટ સેલિંગ અથવા ટેલીમાર્કેટિંગ હોય, કોઇપણ માધ્યમથી કરવામાં આવતી હોય, જો તેમાં ખોટી જાણકારી આપવામાં આવશે તો તે ગુનાની શ્રેણીમાં આવશે.