બિહારનાં વૈશાલીમાં માનવતા માટે લાંછન રૂપ કિસ્સો સામે આવી રહ્યો હતો. અહીં નીલગાયને જીવતી દફનાવી દેવાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો જોઇને ભલભલાને ધ્રુજારી છૂટી જશે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક નીલગાયને પહેલા ગોળી મારવામાં આવી, પરંતુ તે મરી નહીં અને ફક્ત ઘાયલ થઈ. ત્યારબાદ જીવતી તેને જેસીબીની મદદથી એક ખાડામાં દફનાવી દેવામાં આવી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલો 1 સપ્ટેમ્બરનો છે અને આ મામલો સામે આવ્યા બાદ 3 સપ્ટેમ્બરનાં તપાસ શરૂ કરવામાં આવી. બિહારનાં ખેતરમાં ઉભેલા પાકની સુરક્ષાને જોઇને સરકારે આદેશ આપ્યો છે. આ આદેશ અંતર્ગત નીલગાયોને મારવાની પરવાનગી આપવામાં આવી છે. આ આદેશ આવ્યા બાદ વૈશાલીમાં જ ફક્ત 4 દિવસમાં 300થી વધારે નીલગાયોને મારી દેવામાં આવી છે. વન વિભાગ જ આ કામને અંજામ આપી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે ખેતરમાં પાકની સુરક્ષા માટે નીલગાયોને મારવી જરૂરી છે.