હોમ લોન લેનારાઓના ખાતામાંથી હપ્તા પેટે વધુ રકમ કપાઈ જવાની સંભાવના હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. હોમ લોન લેનારાઓના ખાતામાંથી હપ્તા પેટે નિયત કરેલી રકમ કરતાં વધુ રકમ કપાઈ જતી હોવાની ફરિયાદના કેસમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાને નેશનલ કન્ઝ્યુમર રિડ્રેસલ ફોરમે બીજી એપ્રિલે ચૂકાદો આપીને દંડ ફટકાર્યો છે. 30000 રૂપિયાના દંડની રકમ હોમ લોન લેનારને જ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.
લોન લેતી વખતે કરવામાં આવેલા કરાર મુજબ હોમ લોન લેનારી વ્યક્તિએ માસિક હપ્તા પેટે 7566 રૂપિયા ચૂકવવાના થતા હતા. તેને બદલે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ 8776 રૂપિયાનો હપ્તો કાપ્યો હતો.
આ કિસ્સામાં હોમ લોન લેનાર વ્યક્તિએ નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, હોમ લોન લેતી વખતે નક્કી કરવામાં આવેલા હપ્તાની રકમ કરતાં વધુ રકમ હપ્તા પેટે કાપવામાં આવી રહી છે. તેની સામે બેન્કે એવી દલીલ કરી હતી કે 82 હપ્તા સુધી તેમણે ભૂલમાં ઓછી રકમ કાપી હતી. પરંતુ ત્યારબાદ ખ્યાલ આવતા તેમણે બાકીના બાર હપ્તામાં વધુ રકમ કાપી હતી. માસિક હપ્તામાં 1200 રૂપિયાનો વધારો કરવાના કારણ બેન્ક તરફથી લોન લેનાર ખાતેદારને આપવામાં આવ્યા નહોતા.
આ લોનના હપ્તા પૂરા થઈ ગયા પછી ખાતેદારને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના દસ્તાવેજો પરત કરવાની તસદી લીધી નહોતી. પરિણામે લોન લેનારની કઠણાઈ વધી જતાં તેણે નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને સ્વીકારીને સુનાવણી કર્યા બાદ કન્ઝ્યુમર ફોરમે બેન્કને લોન લેનાર વ્યક્તિને વળતર માટે 50,000 રૂપિયા ફરિયાદ ખર્ચ પેટે 5000 રૂપિયા અને ગેરવાજબી વ્યાવસાયિક નીતિ અપનાવવા બદલ 20,000 રૂપિયાનો દંડ કર્યો હતો.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ દલીલ કરી હતી કે 5.52 લાખની 10.75% વ્યાજદરે અપાયેલી લોનનો માસિક હપ્તો 8776 રૂપિયાનો થાય છે. હપ્તો 7566 રૂપિયાનો થતો નથી. હપ્તાની રકમ ગણવામાં બેન્કે ભૂલ કરી હતી. આ ભૂલ સુધારવા માટે જ પછી હપ્તાની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો.
લોન લેનારની ફરિયાદનો નેશનલ કન્ઝ્યુમર ફોરમે આંશિક સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ સેન્ટ્રલ બેન્કે NCDRCમાં ઓર્ડરને પડકાર્યો હતો. NCDRCએ દંડની રકમ 50,000 રૂપિયાથી ઘટાડી 30,000 રૂપિયા કરીને બેન્કને થોડી રાહત આપી હતી. ખાતેદારને યોગ્ય સેવા આપવામાં ભૂલ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.