રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્ષત્રિયોના આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ સાથે જ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે.
આ સાથે જ રૂપાલાએ ક્ષત્રિય રાજવીઓ માટે કરેલો બફાટ તેમને અને ભાજપને ભારે પડી રહ્યો છે. તેમણે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ત્રણ વખત માફી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. ક્ષત્રિયોએ ભાજપને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને હવે રણસંગ્રામ પાર્ટ-2 શરૂ કરવાની ઘોષણા કરી હતી. તેમજ ક્ષત્રિયોએ લડી લેવા માટે તૈયારીઓ બતાવી હતી.
પદ્મિનિબા વાળાએ જણાવ્યું કે, એકતા હશે તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈને એવું થતું હશે કે કોના અડફેટે ચડી ગયા? હવે થાય શું? ઘોબા તો ઉપાડવાના બાકી છે ભાઈ… ક્ષાત્રત્વ જાળવી રાખજો, હિન્દુત્વનું લોહી જે છે એ આપણામાં તો છે જ. વિનાશકાળે વિપરિત બુદ્ધિ. આ પશુભાઈ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે ના બોલ્યો હોત તો સારું હતું. ક્ષત્રિયાણીઓ જો વટે ચડેને તો કાં મરે અથવા તો મરે. રાજશેખાવતભાઈ, મહિપાલસિંહ ભાઈ, કરણીસેના આ બધા સાથ આપજો ભાઈઓ. રાજશેખાવતભાઈની પાઘડીને હાથ લગાવી ગયા હતા એ ધ્યાન રાખજો એની બહેનો હજુ જીવતી છે. પછી ટોપી ઉતરતા પણ વાર નહીં લાગે. પુરુષોત્તમભાઈ ઘરે બસેવાનું છે.’
મહિપાલસિંહ મકરાણાએ સંબોધન શરૂ કરતા પહેલા તમામ લાઇટો બંધ કરાવી મોબાઈલ લાઇટો ચાલુ કરાવી જય રાજપૂતાના અને જયભવાનીના નારા લગાવ્યા હતા. તેમજ રૂપાલા હાય હાય નહીં બાય બાય કહેવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તંત્ર સામે મારે કોઈ વેર નથી. હું પોલીસ તંત્રને કહેવા માગું છું કે, તમે ઉંઘ બગાડતા નહીં હું સીધો મારા ગામે જઈશ. આ ભાઈ લોકો તમારા માટે કાફી છે તેમને રોકી બતાવશો તો તમને માની જઈશ.